સુરત(Surat): લોકસભા ચૂંટણીના (LokSabha Election) પડઘમ વાગી રહ્યાં છે. કોંગ્રેસ અને આપ પક્ષે ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધન હેઠળ રાજ્યમાં ઉમેદવારોના નામ જાહેર કરવા માંડ્યા છે, ત્યાં હવે ભાજપ (BJP) દ્વારા પણ ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત હાથ ધરી છે. ભાજપ દ્વારા આજે રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સુરતમાં પણ પક્ષે ત્રણ નિરિક્ષકો મોકલી આપ્યા છે. આ નિરિક્ષકો કોર્પોરેટર, ધારાસભ્યો, આગેવાન હોદ્દેદારો પાસે સેન્સ મેળવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયા માટે આજે સવારે જ સુરત આવી પહોંચ્યા હતા. બપોરે 3 વાગ્યા બાદ નિરિક્ષકોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રત્યેક આગેવાન, નેતા, હોદ્દેદારો પાસે ત્રણ નામ માંગવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નિરિક્ષકની જવાબદારી સાથે સુરત આવેલા પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણે કહ્યું કે સુરત લોકસભા બેઠક માટે પક્ષ દ્વારા ત્રણ નિરીક્ષકોને સેન્સ લેવાની જવાબદારી સોંપાઈ છે. આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઇચ્છતા હોય તેનું નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશ દ્વારા અમને માત્ર સુરત બેઠક માટે લોકોને સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે મોડી સાંજ સુધી જે કોઈ પણ અમારી પાસે આવીને પોતાની પ્રતિક્રિયા રજૂ કરશે અને નામો રજૂ કરશે તે તમામ રિપોર્ટ આવતીકાલે ગાંધીનગર ભાજપ સંગઠનમાં રજૂ કરાશે, ત્યાર બાદ સંગઠન નિર્ણય લેશે.
નીતિન ભજીયાવાલાએ દાવેદારી રજૂ કરી
સુરત લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક ભાજપના મોટા કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા લોકસભા બેઠકની પોતાની દાવેદારી રજૂ કરી હતી. દરમિયાન સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર નીતિન ભજીયાવાલા એ પણ સુરત લોકસભા બેઠક માટેની દાવેદારી નોંધાવી હતી.
તેમણે કહ્યું કે મે દાવેદારી કરી છે. હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર પાયાનું કામ કર્યું છે. તેથી મેં ટિકિટની માગી છે. પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. જો મને ટિકીટ ન આપે તો જેને પક્ષ ટિકિટ આપશે તેના માટે કામ કરીશ. નિરિક્ષકો દ્વારા 3 નામ માંગવામાં આવી રહ્યાં છે. એક નામ આપવામાં આવે તો તેમને ઓપ્શન તરીકે બીજા બે નામ પૂછવામાં આવી રહ્યા છે.
નીતિન ભજીયાવાલા ઉપરાંત મુકેશ દલાલ, ધીરુ ગજેરા સહિત અનેક રાજકારણીઓએ ટિકીટ માટે દાવેદારી રજૂ કરી હોવાની વિગતો સાંપડી છે.