Business

મકાન હજુ મોંઘા થશે, 16 વર્ષ બાદ પહેલીવાર રિયલ એસ્ટેટમાં જોવા મળી આવી સ્થિતિ

નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા દેશ ભારતમાં (India) મકાનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા 16 વર્ષમાં પહેલીવાર આ વર્ષે નવા મકાનોની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી છે. તેના જ લીધે વર્ષ 2024માં દેશમાં મકાનોની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

નેશનલ હાઉસિંગ બેન્કના (NHB) ડેટા અનુસાર રૂપિયા 25 લાખથી વધુની કિંમતના મકાનોની માંગમાં (Home Demand) પાછલા એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2021-22માં દેશમાં રૂપિયા 25 લાખથી વધુ કિંમતના 10.60 લાખ મકાનો વેચાયા હતા. 2023-24માં આ આંકડો 29 ટકા વધીને 18 લાખ પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે મકાનોનું વેચાણ વધ્યું છે.

નવા નાણાંકીય વર્ષમાં આ આંકડો 28 ટકા વધી 23 લાખને પાર પહોંચે તેવી અપેક્ષા છે. આ ડેટા દર્શાવે છે કે સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ (Real Estate) માર્કેટ ફૂલ તેજીમાં છે. મુંબઈથી લઈ ભોપાલ, ઈન્દોર અને રાંચી જેવા શહેરોમાં પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. વર્ષ 2008 બાદ આવી તેજી પહેલીવાર જોવા મળી હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે.

આ કારણે પ્રોપર્ટીની કિંમત વધી રહી છે
છેલ્લાં બે વર્ષથી મકાનોની માંગ વધતા કિંમતો પણ અસામાન્ય રીતે વધી છે. નેશનલ હાઉસિંગ બેન્કના ડેટા અનુસાર બે વર્ષમાં પ્રોપર્ટીની કિંમતોમાં 47 ટકાનો વધારો નોંધાયો છે. જયપુર, રાયપુર, ચંદીગઢ, પટણા જેવા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો વધીને 5 હજારથી 7.5 હજાર રૂપિયા પ્રતિ સ્કે.ફૂટ પર પહોંચી ગઈ છે. જે કોવિડ પહેલાં 4થી 5 હજાર પ્રતિ સ્કે.ફૂટ હતી. નિષ્ણાતો અનુસાર વર્ષ 2024માં પ્રોપર્ટીની કિંમતમાં એવરેજ 30 ટકાનો વધારો જોવા મળી શકે છે. ડિમાન્ડ ઉપરાંત સિમેન્ટ, લોખંડ સહિતના રો મટિરિયલ્સના ભાવમાં વધારો પણ પ્રોપર્ટીની કિંમતો વધવા માટે જવાબદાર છે.

શું કહે છે નિષ્ણાતો?
રિયલ એસ્ટેટમાં હાલમાં મજબૂત માંગ જોવા મળી રહી છે. તે સાથે રો-મટિરિયલ્સના ઊંચા ભાવના લીધે કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ વધી રહી છે. આગામી સમયમાં ડિમાન્ડ હજુ વધે તેવી શક્યતા છે, તે જોતાં નજીકના ભવિષ્યમાં મકાનો હજુ મોંઘા થાય તેવી સંભાવના રહેલી છે.

Most Popular

To Top