અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે ગુરુવારે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ગર્ભવતી મહિલાને ટોઈલેટમાં અચાનક ડિલીવરી થઈ હતી. ત્યાર બાદ બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. બાળકને કમોડની બહાર કાઢી નહીં શકાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડે પહોંચી જઈ બાળકને કમોડમાંથી બહાર કાઢ્યું હતું, પરંતુ તેની સ્થિતિ ખૂબ જ નાજૂક હોય તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
- અમદાવાદના પાલડીમાં આવેલા વિકાસગૃહની ઘટના
- મંદબુદ્ધિની માતાને ટોઈલેટમાં જ ડિલીવરી થઈ ગઈ
- બાળકનું મોઢું કમોડમાં ફસાયું હતું, બાકીનું શરીર હવામાં હતું
- ફાયર બ્રિગેડે 25 મિનીટમાં બાળકને બચાવ્યું
- સારવાર માટે બાળકને હોસ્પિટલમાં ખસેડાયું
આ ઘટના અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં બની હતી. જ્યાં વહેલી સવારે એક મંદબુદ્ધિની ગર્ભવતી મહિલાને ટોઈલેટમાં જ ડિલીવરી થઈ ગઈ હતી. ગર્ભમાંથી બહાર નીકળ્યા બાદ નવજાત બાળક સીધું કમોડમાં પડ્યું હતું, જ્યાં તેનું મોઢું ફસાઈ ગયું હતું. બાળકને બચાવવા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવાઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે જોયું કે બાળક હવામાં છે પરંતુ તેનું મોઢું કમોડની અંદર ફસાયેલું છે. રેસ્ક્યૂ ટીમે બાળકને કોઈ ઈજા નહીં થાય તેનું ધ્યાન રાખી પાઈપ સાથે કમોડનું જોડાણ દૂર કરી ટોઈલેટની આસપાસની ટાઈલ્સ તોડ્યા બાદ બાળકને કમોડમાંથી બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું. સદનસીબે બાળકને કોઈ ઈજા થઈ નથી.
મંદબુદ્ધિની માતાને બાળક વિશે કોઈ જ ગતાગમ નહોતી. વિકાસગૃહના સ્ટાફને જાણ થઈ ત્યારે તેઓએ તાત્કાલિક પગલાં ભરી બાળકને બચાવવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર બ્રિગેડે પણ તાત્કાલિક રિસ્પોન્સ કરી બાળકને બચાવી લેવા તમામ પ્રયાસ કર્યા હતા, જેમાં તેમને અંતે સફળતા મળી હતી.