ઈચ્છાપોરના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ છે, જયાં તેણીને આઈસીયુમાં રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસે બાળકીને ફેંકી જનાર તથા તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. બાળકીના માતા-પિતાને શોધી આપનારને રૂપિયા 11000 ઈનામ આપવાની જાહેરાત પણ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી બાળકીનો રડવાનો અવાજ આવતા આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા. ગ્રાઉન્ડ પર નવજાત બાળકી રડી રહી હતી. લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી હતી. બાળકીની સ્થિતિ ગંભીર હોય તબીબોએ આઈસીયુમાં નિગરાની હેઠળ રાખી છે.
કોઈ અજાણ્યા પુરુષ કે મહિલાએ પોતાનું પાપ છુપાવવાના ઈરાદે નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. માસૂમને ત્યજી દેનારને શોધી આપનારને 11 હજારનું ઈનામ આપવાની ઈચ્છાપોર પોલીસે જાહેરાત કરી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, બાળકીને કોણ મુકી ગયું છે તે શોધવા તપાસ હાથ ધરાઈ છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યાં છે. આશાવર્કરો સાથે કોન્ટેક્ટ કર્યો છે. નજીકની હોસ્પિટલોમાં પણ તપાસ કરી છે. નવજાત બાળકીના માતાપિતાને શોધી આપનારને 11,000નું રોકડ ઈનામ આપવા પણ જાહેરાત કરી છે.