Columns

નવોદિત તથા અનુભવી રંગકર્મીઓથી તખ્તો ધમધમી રહ્યો છે

મનુષ્ય નામે મહાભારત

૪૮મી નાટ્‌ય સ્પર્ધાના શુભારંભ દિવસે ‘ક્રાફટ એન્ટરટેઇનમેન્ટ’નું પ્રવીણ સોલંકીની કલમે લખાયેલું નાટક સ્તવન જરીવાલાના દિગ્દર્શન હેઠળ મનુષ્ય નામે મહાભારતનું મંચન થયું. અમર એક આદર્શ પ્રોફેસર છે. એમના સિધ્ધાંતો, એની પત્નીની મહત્વાકાંક્ષા, નારાજગી બનીને હંમેશા એની સામે આવે છે. પ્રોફેસર અમર કોલેજના પ્રેસીડન્ટના પુત્રને જ પરીક્ષામાં ચોરી કરતા પકડી પાડે છે. પછી તો લાલચ, કપટ, લાચારી અને રાજનીતિની અમરના સિધ્ધાંતો સામે મોરચો માંડે છે. એનો આત્મા વિમલેન્દુ પ્રોફેસરના આદર્શવાદની પોકળતા અને નિરર્થકતા ખુલ્લી પાડે છે, અને સર્જાય છે સ્ટેજ પર મહાભારત.

પ્રોફેસર અમર મજમુદારના પાત્રને દેવાંગ જાગીરદારે સરસ ઉઠાવ આપ્યો. મક્કમતા, એથીકસ અને પ્રમાણિકતા સાથે દ્રોણાચાર્યની બેવડી ભૂમિકા ઉજાગર કરી આખા નાટકનો ભાર ઊંચકી ગયા. કિન્નરી ભટ્ટ નીલાના પાત્રને જીવી ગયા. પ્રેસિડન્ટ અને વિમલેન્દુના પાત્રને જયદીપા ગાંગાણીએ બખુબી ભજવી પ્રેક્ષકોની દાદ મેળવી ગયા. કૃપીના પાત્રને મેઘા સીયારામે દૃઢતા, સરસ ડાયલોગ ડીલીવરીથી નિભાવી ગયા, તો પબ્લિક પ્રોસીકયુટર તરીકે ઉંણા ઉતર્યા. પલાશ અને દેવ આથવલે ઘણા સરસ રહ્યા.

મિહિર તરીકે સ્તવન જરીવાલા પ્રભાવક રહ્યા. નાથાલાલના પાત્રને ન્યાય આપવામાં હિરલ નવસારીવાલા ઉણા ઉતર્યા, તો પ્રતિક દેસાઇએ યોગ્ય ન્યાય આપ્યો. જય ભટ્ટ, રીયા ભટ્ટ, વેદાંત વશી નાટકને સહાયરૂપ થયા. પ્રવીણ સોલંકીની સશકત કલમે લખાયેલા સંવાદો ધારદાર રીતે રજુ થયા અને પ્રેક્ષકોની વારંવાર દાદ મેળવી ગયા. યુવાન દિગ્દર્શક સ્તવન જરીવાળા પ્રથમ નાટકમાં જ સરાહનીય રહ્યા. દર્શન ઝવેરીનું સંગીત અને દેવાંગી જાગીરદારનું પ્રકાશ આયોજન તથા મિતુલ લુહારનું સંચાલન ખૂબ જ પ્રભાવક રહી નાટકને માણવામાં મદદરૂપ થયું. નાટક અમુક પ્રસંગોમાં ઘણુ લંબાયુ, જેથી નાટકની ગતિ મંદ પડી. મુલ્યો ઉપર રાજનીતિની મહારત, ‘ગુરુ બ્રહ્મા – ગુરુ વિષ્ણુ’ પંકિતને પડકારતું અંતરાત્મા અને વ્યવહારિકતાના સંઘર્ષને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં નાટક સફળ રહ્યું.

ધ ડોલ
નાટ્‌ય સ્પર્ધાના બીજા દિવસે મિહીર પાઠક રૂપાંતરીત, વત્સલ શેઠ અને મિહીર પાઠક દિગ્દર્શીત નાટક ‘ધ ડોલ’ એક્ષપ્રેસન ગૃપ દ્વારા રજુ થયું. આજના સમયમાં માણસ અને મશીનના સંબંધોની વાત નવા વિષય સાથે લઇને આવેલ આ નાટક પ્રેક્ષકોને વિચાર કરતા કરી મૂકે છે. રૂદ્રકુમાર તેની ગર્લફ્રેન્ડ સાથે ૭ વર્ષથી લીવ ઇન રીલેશનમાં રહેતો હતો – અચાનક બ્રેકઅપ થવાને કારણે તે એકલો પડી જાય છે. એકલતા દૂર કરવા એવી ડોલ લઇ આવે છે જે સ્ત્રીનું બેસ્ટ રીપ્લેસમેન્ટ હોય છે. આ રોબોટ ડોલ ‘તારીકા’ રૂદ્ર માટેના દરેક કામો કરી આપે છે, જે એક સ્ત્રી પુરુષ માટે કરતી હોય છે. મનુષ્યો તો લાગણી, પ્રેમનો ભુખ્યો હોય છે. શું ડોલ દ્વારા મળતા પ્રેમથી  રૂદ્ર સંતૃષ્ટ છે? જો હોય તો પછી સ્ત્રીનું અસ્તિત્વ જ જગતમાં કયાં રહેશે?

નાટકનો પડદો ઉપડે છે…. અને પાર્સલમા આવેલ ડોલનું બોક્ષ રીમોટથી ખુલે છે ત્યારે એક સરસ નાટક માણવાની આશા જોર પકડે છે.  રૂદ્રકુમારના પાત્રમાં મિહીર પાઠક, ઝડપ આંગિક, યાચિક અને સમયસરના પ્લેસીંગથી નાટકને ઊંચે લઇ ગયા. તારીકા અને નેહાના પાત્રમા જુહી પાઠક સહજતાથી ડોલના પાત્રને આકાર આપ્યો. શરૂઆતથી અંત સુધી ચીવટ, ચોકસાઇ  ભર્યા અભિનયથી પ્રેક્ષકોની વાહવાહ મેળવી ગયા. મૂળ લેખક મિરો મારવાનની વાતનું મિહીર પાઠકે કરેલ રૂપાંતર ખુબ સરાહનીય રહ્યું. દિગ્દર્શક બેલડી મિહીર – વત્સલ શેઠે સ્ક્રીપ્ટને પૂરો ન્યાય આપ્યો. દિગ્દર્શનના ચમકારા ઠેર ઠેર નજરે પડે છે. વત્સલ શેઠની સેટ ડિઝાઇન આકર્ષક. મિતુલ લુહારનું પ્રકાશ આયોજન ઘણુ સરસ અને ઘટનાઓને બહાર લાવવામાં સમર્થ રહ્યું. વૈભવ દેસાઇનું સંગીત અને યશ ઉપાધ્યાયના સંગીત સંચાલને નાટકને વહેતુ રાખી ગતિ આપી. ઘણી જગ્યાએ લાઉડ મ્યુઝીક સંવાદો સાંભળવામાં નડતરરૂપ રહ્યું.

સાવ અમસ્તુ નાટક નાટક
ત્રીજા દિવસે પ્રિયમ જાની લિખિત, રીષીત ઝવેરી દિગ્દર્શીત ‘કર્મસુ આર્ટ’ સંસ્થાએ મૌલિક નાટક ‘સાવ અમસ્તુ નાટક….’ રજુ કર્યુ. શેખર વ્યાસ સુપરહીટ કોમેડી નાટકો આપતો એક સફળ લેખક અને દિગ્દર્શક છે. એની ઉપરાછાપરી સફળતાથી અકળાયેલો ધ્રુવ એક દાવ ખેલે છે.

શેખરની ગર્લફ્રેન્ડ કનીકાની આવી ચીલાચાલુ નાટકોની છાપમાંથી બહાર નિકળી એવોર્ડ વિનીંગ ઓળખ મેળવવા ઉશ્કેરે છે. શેખર અને કનીકાનો બ્રેકઅપ થાય છે. એ દરમિયાન શેખરની કોલેજકાળની મિત્ર અને નાટકોની સાથીદાર અમેરિકાથી આવે છે. ધ્રુવના કહયા મુજબ, કનીકા શેખરને એક ટ્રેજેડી નાટકની સ્ક્રીપ્ટ લખવા દબાણ કરે છે. અહીં ધ્રુવનો દાવ સફળ થાય છે કે નહીં. આવી ટ્રેજેડી કોમેડી વચ્ચે ઝોલા ખાતા નાટકનો પડદો ઉપડે છે.

શેખર વ્યાસના પાત્રમાં સ્વપ્નીલ પાઠક સફળતાનો ઉન્માદ અને કટોકટીની સ્થિતિમાં નિરાશાની કશ્મકશ બહાર લાવી શકયા. કનીકાના પાત્રમાં સીમરન અરોરા શિરમોર રહ્યા. ધ્રુવના પાત્રમાં શાશ્વત કાપડીયા સાધારણ રહ્યા. ધ્રુવ બલસારા બિપીનના પાત્રને સરસ રીતે નિભાવી ગયા. મિતાલીના પાત્રમાં વિધિ જૈન ઠીકઠીક રહ્યા. જીયા પરમાર, ફોરમ પંડયા, મુકુંદ કિનખાબવાળા, લક્ષેશ શાહ પોતાનું પાત્ર નિભાવી ગયા. દિગ્દર્શક રીષીત ઝવેરીએ આ સ્ક્રીપ્ટને ન્યાય આપવા સારી જહેમત ઉઠાવી. મિતુલ લુહારનું પ્રકાશ આયોજન અને આગમ જૈન – રાજમોદીનું સંગીત અને કુંજ તેરૈયાનું સંચાલન ઘણું પ્રભાવક રહ્યું. દરેક સીન ટ્રોપ પર ‘ચાલ મજાનું નાટક નાટક, તખતો તખતો રમીયે.’ ગીતનો સરસ ઉપયોગ થયો. કોમેડી ટ્રેજેડી મથામણમાં, નાટકમાં જીંદગી અને જીંદગીમા પણ નાટકની વાત અંત સુધી પહોંચતા પ્રેક્ષકોની પકડ ગુમાવી બેઠું.

મી. બોલ બચ્ચન
સ્પર્ધાના ચોથા દિવસે બી. આર. પ્રોડકશનના નેજા હેઠળ ઇમ્તીયાઝ પટેલ લિખીત વિશ્વજીતસિંહ દિગ્દર્શિત નાટક ‘મી. બોલ બચ્ચન’ ભજવવામાં આવ્યું. મામાને ઘરે અને આધારે ઉછરેલા બે ભાણેજ માનો એક એટલે રાજ. એમ.બી.એ. થયેલ છે પણ નોકરી મળતી નથી. એટલે સ્વભાવ અને સંસ્કૃતિનો ઓછાયો લઇને દેવેશ ભાટીયાની પેઢી દેવીકૃપા એન્ટરપ્રાઇઝમાં નોકરી લઇ લે છે. અભિનયમાં રાજ અને રાજેશ્વર નામે પ્રિયમ જાની અફલાતૂન રહ્યા. સડસડાટ સ્પષ્ટ વાચિક અને સમયસરના પ્લેસીંગથી શિરમોર રહ્યા. દેવેશ ભાટીયાના પાત્રને સમજદારી, હાવભાવ અને તત્કાળ રીએકશનથી રણધીરસીંહે નાટકને હિલ્લોળે ચડાવ્યું.

 જતીન પટેલે ધનુમામાના પાત્રને સહજતાથી બહાર લાવવામાં સફળ રહ્યા. વિશ્વદિપસિંહ એ બ્રિજેશને સરસ આકાર આપ્યો.  પૃથ્વી પાલકરે ઓફિસના હેડ કલાર્ક તરીકે શુકલ અને અંતે પોલીસ ઇન્સ્પેકટર તરીકે  અલગ અલગ મેનરીઝમથી સૌને ખુશ કરી દીધા. ક્રિષ્ણા પંચાલે  ભૂમિની  ભૂમિકાને નવો ઓપ આપ્યો. પ્રથમ જ વાર તખ્તા પર આવેલ કૃમિ જરીવાલાએ રીનાના પાત્રને સહજ રીતે સ્પષ્ટ ઉચ્ચારો અને આત્મ વિશ્વાસથી નવી ગરિમા બક્ષી. દિગ્દર્શક  અને કલાકાર તરીકે બેવડી ભૂમિકા વિશ્વદિપ સીંહ સફળતાથી નિભાવી ગયા.  જાવીદ પરેશનું સરસ સેટીંગ્સ આકર્ષક રહ્યું. સીરાજ મેમણના સંગીત સંચાલન પ્રકાશની અદભૂત કમાલ ચેતન પટેલ દર્શાવી ગયા. બી.આર. પ્રોડકશનની આ નવતર ભેટ, ચુસ્ત કમ્પોઝીશન, ટાઇમીંગ પ્લેસીંગ અને ટીમ વર્કની કમાલ પ્રેક્ષકોએ ભરપુર માણી.

Most Popular

To Top