160મા વર્ષમાં પ્રવેશી ચૂકેલા આ અખબારના પાને રઘુકુળના રામના ભકત કરતાં અદકેરા લઘુકુળના અવતાર સમા પોસ્ટ કાર્ડના ભકત હોવાને નાતે આ લખતાં અનેરા આનંદની અનુભૂતિનો ઉમળકો આ વિભાગના નવોદિત ભકતો માટે પ્રસ્તુત કરું છું કારણ કે પોસ્ટ કાર્ડના ઇતિહાસમાં એના સાહિત્યિક મૂલ્યને આજના હાઇટેક નબીરા તો જાણી ન શકે. પણ આ લખનારે એની કિંમત પંદર પૈસાની હતી ત્યારથી જ એના ઉપર લોકકથાને પણ બીછાવી હોઇ એમાં મરિયમના નાચીજ અધૂરો પણ મુમતાઝના તાજમહેલ જેવા બની જતા હોય ત્યારે આવી ટપાલ સેવાના ટપાલી અને બધી પોસ્ટ ઓફિસોને અનેક શુભેચ્છા.
ધરમપુર – ધીરુ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું દયાહીન થયો નૃપ?
ઠીક ઠીક સમય સુધી રેલવેએ નિવૃત્ત, વૃધ્ધ, પુરુષ મહિલા બંનેને અનુક્રમે 50 ટકા અને 40 ટકાની રાહત આપી હતી. નિવૃત્તિ પછી એકાદ દાયકામાં મનુષ્યનું શરીર ખખડી જાય. જાત જાતના રોગ ઉપાધિ પ્રવેશે. વળી કૌટુંબિક જવાબદારી અશકત શરીરે નીભાવવાની. જીવનસંધ્યાએ આવા વડીલો મુસાફરી તે પણ રેલવેમાં પસંદ કરતા નથી. શારીરિક તકલીફોને કારણે ઘર બહાર કે પોતાના શહેર ગામ બહાર જવાનું જ ટાળે. નવી કોઇ સગવડ ન આપો તો વાંધો નહિ પરંતુ જે અપાઇ છે તેને પાછી ખેંચી લઇ, છીનવી લઇ, ભાગ્યે જ મુસાફરી કરતાં વયસ્કોને અગવડમાં વધારો ઝીંકવાથી શું ફાયદો ?
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.