એક વેપારીને પાંચ દીકરા ..બજારમાં વેપારીના નામનો ડંકો વાગે …વેપારમાં સતત પ્રગતિ થતી ગઈ. વેપારીએ એક જ બજારમાં પાંચ દીકરાઓ માટે પાંચ જૂદી જૂદી દુકાન કરી અને બધા વચ્ચે એકતા જળવાઈ રહે તે માટે એક જ મોટું ગોડાઉન રાખ્યું.બધા દીકરાઓ ધંધામાં પારંગત થતા હતા અને બધા વચ્ચે એકતા પણ સારી હતી.વેપારી હવે વૃદ્ધ થયા હતા, પણ રોજ બજારમાં આવતા અને બધી દુકાનોમાં થોડી થોડી વાર બેસી ગોડાઉનમાં તપાસ કરી ઘરે જતા.
સમય જતાં વેપારી માંદા પડ્યા. હવે દુકાને આવી શકતા ન હતા.પણ સંતોષ હતો કે પોતે જે વ્યવસ્થા કરી તે સરસ રંગ લાવી રહી હતી. દરેક પુત્ર પોતાની દુકાનમાં પોતાના નિર્ણય લે અને વેપાર આગળ વધારે અને મૂળ ગોડાઉન એક એટલે બધાની એકસૂત્રતા જળવાઈ રહે, જેથી વેપારમાં કોઈ અંદર અંદર ખટરાગ થવાની શક્યતા રહે નહિ.અચાનક એક દિવસ બજારમાં આગ ફાટી નીકળી…જેમાં વેપારીના ચાર દીકરાઓની દુકાન બળી ગઈ. કંઈ જ બચ્યું નહિ, મોટું ગોડાઉન અને બીજી એક દુકાન બચી ગઈ હતી, તેમાં કોઈ નુકસાન થયું ન હતું.
વેપારીના દીકરાઓ પિતા પાસે આવી રડવા લાગ્યા અને બોલ્યા, ‘પિતાજી, બજારમાં મોટી આગ લાગી તેમાં આપણી ચાર દુકાન બળી ગઈ. કંઈ જ બચ્યું નથી.’ વેપારી તકિયાનો ટેકો લઇ બેઠા થયા અને બોલ્યા, ‘ આપણું માલસામાન ભરેલું ગોડાઉન તો સલામત છે ને?’મોટા દીકરાએ કહ્યું, ‘હા , ગોડાઉનને કોઈ નુકસાન થયું નથી.’ વેપારી બોલ્યા, ‘તો રડો છો શું કામ? આપણી તો પાંચ દુકાન છે ને? અને ગોડાઉનમાં માલ પણ સલામત જ છે.
ચાલો રડવાનું બંધ કરો.વેપારીના દીકરા પાસે બજારમાં બેસવાનું સ્થળ જોઈએ અને વેપાર કરવા માલસામાન ..તમારી પાસે બંને છે તો ખરું પછી અકળામણ શેની? જે થવાનું હતું તે થઇ ગયું. તેની રાખ કંઈ શરીર પર ભૂંસીને બેસી ન શકાય.જે બચ્યું છે તે માટે ભગવાનનો પાડ માની તેને પકડી લો અને આજથી જ કામે લાગી જાવ.મારા દીકરાઓ છો કરો વેપાર અને કરજો ફરીથી એકમાંથી દસ દુકાન …ચાલો રડવાનું બંધ કરો, કામે લાગો.’ અનુભવી વેપારી પિતાએ પોતાના પુત્રોમાં નવો ઉત્સાહ જગાડ્યો.
આ વાતમાં હવે એક રૂપક જોઈએ તો તમારી શક્તિ ..ઈચ્છા …આત્મવિશ્વાસ…દરેક કપરી પરિસ્થિતિમાં આપણી બચી ગયેલી દુકાન છે અને ઈશ્વર અને તેની કૃપા આપણું ગોડાઉન છે.દરેક સંકટમાં બીજું બધું ભલે ખતમ થઈ જાય.આ ગોડાઉન તો હંમેશા અકબંધ રહે છે.તેમાંથી જે જોઈએ તે મેળવી બચી ગયેલી દુકાન એટલે કે આપણા વિશ્વાસ અને મહેનતના આધારે આગળ વધી શકાય છે તે હંમેશા યાદ રાખજો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.