National

2047 સુધીમાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું- રાષ્ટ્રપતિ મુર્મુનું દેશને નામ સંબોધન

નવી દિલ્હી: (New Delhi) સમગ્ર ભારત જ્યારે આઝાદીના 75માં અમૃત મહોત્વને ઉત્સાહ પૂર્વક ઉજવી રહ્યું છે ત્યારે દેશના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રના નામે સંબોધત કર્યું. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન છે. તેમણે કહ્યું કે દેશના છોત્તેરમાં સ્વતંત્રતા દિવસની (Independence Day) પૂર્વ સંધ્યાએ હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું આજે 14મી ઓગસ્ટના દિવસને ભાગલા-ભયાનક સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે હું દેશના દરેક નાગરિકને વિનંતી કરું છું કે તેઓ તેમની મૂળભૂત ફરજો વિશે જાણે. ફરજોનું પાલન કરે જેથી આપણું રાષ્ટ્ર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે.

તેમણે દેશની ઉપલબ્ધિ વિશે જણાવતા કહ્યું કે આપણે સ્વદેશી ઉત્પાદિત રસી સાથે માનવ ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું. ગયા મહિને ભારતે 200 કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કર્યો. આ રોગચાળાનો સામનો કરવામાં અમારી સિદ્ધિઓ વિશ્વના ઘણા વિકસિત દેશો કરતાં વધુ રહી છે. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણને પર્યાવરણ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે ભારતની સુંદરતા સાથે જોડાયેલી દરેક વસ્તુનું મજબૂતીથી રક્ષણ કરવું જોઈએ. પાણી, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ એ આપણી ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ છે.

આપણા દેશની ઘણી બધી આશાઓ આપણી દીકરીઓ પર ટકી છે. જો યોગ્ય તકો આપવામાં આવે તો તેઓ મોટી સફળતા મેળવી શકે છે. ફાઈટર-પાયલોટથી લઈને અવકાશ વૈજ્ઞાનિક સુધી દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ પોતાનો ધ્વજ લહેરાવી રહી છે. મોટાભાગના લોકશાહી દેશોમાં મહિલાઓને મતદાનનો અધિકાર મેળવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આપણા પ્રજાસત્તાકની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો.

15 ઓગસ્ટ 1947 ના રોજ અમે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે હું તમામ સ્વતંત્રતા સેનાનીઓને સલામ કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનું બલિદાન આપ્યું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. ગયા વર્ષથી દર 15 નવેમ્બરને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો સરકારનો નિર્ણય આવકાર્ય છે. આપણા આદિવાસી સુપરહીરો માત્ર સ્થાનિક કે પ્રાદેશિક ચિહ્નો નથી પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત છે. અમારો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું. દાંડી યાત્રાની યાદને જીવંત કરીને માર્ચ 2021માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરવામાં આવી હતી. એ યુગ-નિર્માણ ચળવળએ આપણા સંઘર્ષને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યો. આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે.

અંતમાં તેમણે કહ્યું કે આપણી પાસે જે કંઈ છે તે આપણી માતૃભૂમિએ આપ્યું છે. એટલા માટે આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સર્વસ્વ સમર્પણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. હું ભારતના સશસ્ત્ર દળોને, વિદેશમાં આવેલા ભારતીય મિશનો અને વિદેશમાં વસતા બિન પ્રવાસી ભારતીયોને અભિનંદન આપું છું જેઓ પોતાની માતૃભૂમિને ગર્વ આપે છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ દૂરદર્શનની તમામ ચેનલો પર જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન સાંજે 7 વાગ્યે શરૂ થયું.

Most Popular

To Top