બેંગ્લોર: કર્ણાટક હાઈકોર્ટ (karnatak high court) ના નિર્ણય બાદ રાજ્યમાં હિજાબ (hijab)વિવાદ સાથે જોડાયેલો વધુ એક મામલો ફરી સામે આવ્યો છે. ઉપિનંગડીમાં 231 મુસ્લિમ વિદ્યાર્થીઓએ સરકારી PU કોલેજની પરીક્ષામાં બેસવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ છે કે શુક્રવારે કોલેજે કેટલીક વિદ્યાર્થિનીઓને તેઓ હિજાબ પહેરીને પરીક્ષામાં નહીં બેસી શકે તેવું કહેતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલેજે હાઈકોર્ટના આદેશને ટાંક્યો હતો. પીયુ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે જે કોઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરશે તે પરીક્ષામાં બેસી શકશે નહીં. મંગળવારે હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. કોર્ટે હિજાબ પ્રતિબંધના વિરોધમાં ઉભી રહેલી 6 વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી.
પુરૂષોએ પણ મહિલાઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવા દેવા માંગ કરી
મેંગલુરુથી 50 કિમી દૂર ઉપિનંગડીમાં કર્ણાટક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ અહીં હિજાબ પહેરીને આવી હતી અને કોલેજે તેમને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. આ કારણે કેમ્પસમાં તણાવ શરૂ થયો હતો અને લગભગ 250 લોકોએ અહીં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. પ્રદર્શન કરનારાઓમાં પુરૂષો પણ સામેલ હતા અને મહિલાઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવા દેવાની માગણી કરી રહ્યા હતા. આ વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે, પરંતુ ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજરી આપ્યા વિના પરત ફર્યા હતા.
અરજીઓ સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે બુધવારે સંમતિ આપી છે. આ અરજીઓની સુનાવણી હોળીની રજા પછી કરવામાં આવશે તેવું જાણવા મળે છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનની આગેવાની હેઠળની ખંડપીઠે વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય હેગડેની રજૂઆતની નોંધ લીધી હતી કે આગામી પરીક્ષાઓને કારણે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે.
હિજાબ વિવાદ પર કોર્ટનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટક(karnatak) હાઈકોર્ટે (high court)કર્ણાટક હિજાબ (hijab)વિવાદ પર મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત પ્રથાનો ભાગ નથી. ઉડુપીની છોકરીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરીને શાળાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે વિદ્યાર્થિનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે, વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરવાની ના પાડી શકે નહીં.