સામાન્ય રીતે ઝાડ ઉપર જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ ઝાડ ઝૂકતું જાય છે. એવી રીતે માણસ જેમ જેમ આગળ વધતો જાય અને તેની કલગીમાં વધુ ને વધુ છોગાં ઉમેરાતાં જાય અને મોટો (કદમાં નહીં) બનતો જાય તેમ તેમ તેણે નમ્ર બનવું પડે છે. અહીં આપણે વાત કરીએ છીએ નમ્રતા અને નેતૃત્વની. આપણે હંમેશાં જોતાં આવ્યાં છીએ કે મોટી મોટી વ્યક્તિઓ, જાણીતી હસ્તીઓ અથવા તો ઑર્ગેનાઇઝેશનના વડાઓ તેમની નમ્રતા માટે પણ એટલા જ જાણીતા હોય છે, જેટલા તેઓ તેમની લીડરશિપ સ્કિલ માટે. નમ્રતા એમનું જમાપાસું હોય છે જે તેમની લીડરશિપ સ્કિલને ઊંચી ઉઠાવી લે છે. આ ગુણના કારણે કર્મચારીઓ તેમની સાથે મધપૂડાની જેમ સંકળાયેલા રહે છે.
બીજી તરફ એવા આંત્રપ્રિન્યોર્સ જોવા મળ્યા છે કે જેઓ તેમની ઉદ્ધતાઈ અથવા ઘમંડના કારણે તેમની ટીમના સારામાં સારા માણસો ગુમાવતા હોય છે. લીડરશિપ ક્વૉલિટી ગમે તેટલી સારી હોય પણ જો તેઓ તેમના ગુસ્સા ઉપર કાબૂ રાખી ન શક્યા તો ઊંધા માથે પટકાઈ જાય છે તેમાં બેમત નથી. નમ્રતા એ માણસનું સૌથી મોટું રત્ન છે. નાના માણસ તો ક્યારેક મજબૂરીમાં નમ્ર રહે છે, પણ મોટો માણસ જ્યારે સાથીઓ સાથે નમ્રતાથી સામે આવે ત્યારે તે તેનું ઘરેણું કે આભૂષણ જ ગણાય. ખૂબ જ ઊંચી જગ્યાએ પહોંચ્યા પછી નમ્રતા જાળવી રાખવી એ મોટું કઠિન કામ છે.
મોટા ભાગના જાણીતા ઉદ્યોગપતિઓની સફળતા પાછળનો સૌથી મોટો રાઝ છે કે તેઓ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા છે. નમ્રતા તેમના સ્વભાવનું જમાપાસું રહ્યું છે. બીજી તરફ ટોચે પહોંચ્યા પછી જ્યારે માણસ ઘમંડી થઈ જાય ત્યારે સમજવું કે એ તેની પડતીની નિશાનીઓ છે. સફળતાનો ગ્રાફ નીચે આવવાનો શરૂ થઈ ગયો છે. તેના સહ-કર્મચારીઓ સાથે વર્તન પણ ઉદ્ધતાઈ ભર્યું બની જાય છે. માણસ પોતે ઉદ્યોગપતિ હોય કે ઊંચા હોદ્દે બેઠેલો મોટો માણસ હોય, જ્યારે તે લીડરશિપનો રોલ ભજવતો હોય તેવા સમયે તેણે નમ્ર રહેવું જ પડે છે. જો તે નમ્ર ન રહી શક્યો તો સમજી લેવાનું કે તે લાંબા સમય સુધી લીડરશિપ નિભાવી શકશે નહીં. ભારતની મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ માટેની વ્યવસ્થા હોય છે અને તેમાંય સિનિયર મૅનેજમૅન્ટની ટ્રેનિંગમાં હમ્બલનેસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. લીડરશિપની ટ્રેનિંગમાં હમ્બલશિપનો પાઠ ન હોય તો આખી ટ્રેનિંગ પાણીમાં જાય.
એક સામાન્ય મુલાકાતમાં વાતચીત દરમિયાન જ આપણને સામેની વ્યક્તિની હમ્બલનેસનો ખ્યાલ આવી જાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલો મોટો માણસ બિઝનેસ કરે છે અને સતત આગળ વધી રહ્યા છે તેની પાછળ તેમની લીડરશિપ સ્કિલ સાથે નમ્રતા પણ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તેમની સાથેની વાતચીતમાં કેટલીક સુંદર ચર્ચા થઈ તેની થોડી વિગત આપું છું. તેમનું માનવું હતું કે દરેક નાનો કે મોટો માણસ જોડાયેલો તો સંસ્થા સાથે જ છે તો પછી તેને માન આપવામાં કે માનથી બોલાવવામાં એક ઑર્ગેનાઇઝેશનનાં વડા તરીકે મને વાંધો ક્યાંથી હોવો જોઈએ. આમ કરવાથી સામેની વ્યક્તિનું માન જળવાય છે જે દિવસના અંતે તમને કંઈક વધુ આપીને જ જવાનો છે. એવી જ રીતે મૅનેજમૅન્ટ ટોચના સ્થાને જ્યારે તમે બેઠેલા છો અને સિનિયર અધિકારીઓ સાથે તમારે કામ લેવાનું છે. ત્યારે નમ્રતાથી વર્તવાથી તેમનો ઇગો સંતોષાશે અને સાચા અર્થમાં તમારા પ્રોગ્રેસ પાર્ટનર બની જશે. છેલ્લે કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહો અને નમ્ર રહો તો સમસ્યાનો ઉકેલ ઝડપથી આવે છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે નમ્રતા મહત્ત્વ અનેરું છે. આના માટે તમને કેટલીક ટિપ્સ આપું. જો તમે સમાજમાં, વ્યવસાય વર્તુળમાં ઑર્ગેનાઇઝેશનમાં સન્માનનીય સ્થાન પર પહોંચ્યા છોતો એટલું યાદ રાખો કે આ સ્થાનને કાયમ ટકાવી રાખવા માટે સામેની વ્યક્તિને માન આપો, નમ્રતાથી બોલાવો, તમારા સ્વભાવમાં જ નમ્રતા લાવી દો. જો તમે ઘમંડી બન્યા અને સાથીઓ તેમજ નીચેના કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈથી વર્ત્યા એટલે સમજવું કે તમારી પડતીના દિવસો નજીક આવી ગયા છે. કર્મચારીઓ સારું વર્તન કરનાર બૉસને વિશેષ માન આપે છે, જ્યારે ખરાબ વર્તન કરનાર બૉસને તેની પૉઝિશનના કારણે સાંભળે છે.
જો બૉસે સાથીઓ તથા તેની હાથ નીચેના કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કર્યું એટલે સમજવું કે તમને તેમની પાસેથી કામનું 100 % વળતર ક્યારેય નહીં મળે. દરેક બૉસે કામમાં ક્યારે કૉમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી, પણ વર્તન તથા વ્યવહારમાં નમ્રતાપણું રાખવાની જરૂર છે. તેના પરિણામે સાથીઓમાં ઑનરશિપની ભાવના જાગશે તથા કામમાં સારું કૉન્ટ્રિબ્યૂશન આપશે છેલ્લે સૌથી મહત્ત્વની બાબત કહી દઉં કે અભિમાનથી ક્યારે કોઈ સાથે વર્તન કરવું નહીં. તે લાંબું ચાલતું નથી. આ વાત જીવનમાં ક્યારેય કોઈપણ વ્યક્તિએ ગમે તે લેવલે બેઠી હોય તે સમજી લેવાની જરૂર છે.