નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose) જન્મદિવસ યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો છે. 23 જાન્યુઆરી 1997માં કટકમાં જન્મેલા નેતાજીએ ભારતના સ્વાતંત્ર્ય માટે પાયાની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે નેતાજીની 125 મી જન્મજયંતિ છે, આ અવસરે કેન્દ્રએ નિર્ણય લીધો છે કે હવે દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ (Prakram Diwas) તરીકે ઉજવાશે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Culture) મંગળવારે આ માહિતી આપી છે. સંસ્કૃતિ મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ‘નેતાજીની દ્રઢ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિ:સ્વાર્થ સેવા અને આદરને યાદ કરવા માટે, ભારત સરકાર 23 જાન્યુઆરીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવા માટે દર વર્ષે નેતાજીનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. નેતાજીએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને દેશવાસીઓમાં દેશભક્તિ જગાડી હતી.’.
એટલે જે રીતે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો પ્રત્યે ખૂબ લગાવ હોવાથી તેમની જન્મજયંતિ -14 નવેમ્બર ‘રાષ્ટ્રીય બાળ દિન’ તરીકે ઉજવાય છે, દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલે અખંડ ભારત માટે પ્રયાસો કર્યા હોવાથી વર્ષ 2014થી તેમની જન્મજયંતી- 31 ઑક્ટોબર ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવાય છે, તેમ વર્ષ 2021થી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ- 23 જાન્યુઆરી ‘રાષ્ટ્રીય પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.
યોગાનુયોગ કેન્દ્રએ આજે આ નિર્ણય લીધો છે અને હાલમાં પ.બંગાળમાં (West Bengal Assembly elections 2021) વિધાનસભાની ચૂંટણીને લઇને BJP અને મમતા બેનર્જીની TMC વચ્ચે રસાકસીનો માહોલ છે. માહિતી મળી છે કે પ્રથમ પરાક્રમ દિનની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 23 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. અહીં તેઓ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં યોજાનારી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે.
વડા પ્રધાન અલીપુર સ્થિત બેલ્વેડિયર એસ્ટેટની રાષ્ટ્રીય પુસ્તકાલયની મુલાકાત પણ લઈ શકશે. આ માટે પશ્ચિમ બંગાળ પોલીસ અને વિશેષ સંરક્ષણ જૂથ (એસપીજી), જે ભારતના વડા પ્રધાનનું રક્ષણ કરે છે- તેની 18 મી જાન્યુઆરીએ એક બેઠક મળી હતી. વડા પ્રધાન મોદી માટે બે કાર્યક્રમોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. જો કે માનવામાં આવે છે કે તે બંગાળ ભાજપના નેતાઓને મળી શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ‘પદયાત્રા’ કરી શકે છે.