નેપાળે ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે. આ વખતે નેપાળે ચીન જેવું જ વર્તન કર્યું છે. તેણે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર ત્રણ ભારતીય પ્રદેશોને પોતાના પ્રદેશ તરીકે દર્શાવીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટો તણાવ આવવાની શક્યતા છે. નેપાળની સેન્ટ્રલ બેંકે ગુરુવારે ૧૦૦ રૂપિયાની નવી નોટ જારી કરી જેમાં દેશનો સુધારેલો રાજકીય નકશો દર્શાવવામાં આવ્યો છે.
નેપાળે આ ભારતીય પ્રદેશો પર દાવો કર્યો
૧૦૦ રૂપિયાની નોટ પર છાપેલા આ નકશામાં નેપાળે વિવાદિત કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પ્રદેશોને તેના દેશના ભાગ તરીકે દર્શાવ્યા છે. ભારતે આ પગલાને “એકપક્ષીય” અને “કૃત્રિમ પ્રાદેશિક વિસ્તરણ” ગણાવ્યું છે. નેપાળ રાષ્ટ્ર બેંક (NRB) દ્વારા જારી કરાયેલી આ નવી નોટ પર ભૂતપૂર્વ ગવર્નર ડૉ. મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર છે અને તેની ઇશ્યૂ તારીખ, વિક્રમ સંવત 2081 (2024 એડી) લખેલી છે. તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની સરકારે મે 2020 માં સંસદમાં બંધારણીય સુધારો પસાર કર્યો હતો જેમાં નવા નકશાને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને તેના ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સુધારેલો નકશો હવે 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યો છે.
આ ભૂતપૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના કાર્યોને આભારી છે જેમને તાજેતરમાં ઝેન-જી ચળવળમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. NRB પ્રવક્તા ગુણાકર ભટ્ટે સ્પષ્ટતા કરી હતી કે નેપાળની નોટોમાં ફક્ત 100 રૂપિયાની નોટમાં દેશનો નકશો છે. 5, 10, 20, 50, 500 અને 1,000 રૂપિયાની નોટો પર કોઈ નકશો નથી. તેમણે કહ્યું, “જૂની ૧૦૦ રૂપિયાની નોટ પર પણ આ જ નકશો હતો. હવે તેને સરકારના તાજેતરના નિર્ણય અનુસાર અપડેટ કરવામાં આવ્યો છે.”
ભારતે સખત વાંધો ઉઠાવ્યો
ભારતે નેપાળના આ પગલા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે પુનરોચ્ચાર કર્યો કે લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા ભારતના અભિન્ન અંગ છે અને નેપાળનું આ પગલું હકીકતમાં ખોટું અને અસ્વીકાર્ય છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ – સાથે ૧,૮૫૦ કિલોમીટરથી વધુ લાંબી સરહદ ધરાવે છે. આ પ્રદેશ પર બંને દેશોનો લાંબા સમયથી સરહદ વિવાદ છે.