નેપાળ: નેપાળમાં (Nepal) ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમોએ (Search and Rescue Team) જ્યાં પ્લેન ક્રેશ (Plane Crash) થયો હતો, તે સ્થળની શોધ કરી છે. તારા એરનું 9 NAET ટ્વીન એન્જિન એરક્રાફ્ટ રવિવારે સવારે મસ્તાંગના પહાડી જિલ્લામાં ગુમ થયું હતું. જો કે નેપાળની ‘તારા એર’ના ટ્વીન ઓટર 9N-AET વિમાને રવિવારે સવારે 09.55 વાગ્યે પોખરાથી ફ્લાઇટ ઊડી હતી. આ વિમાન જોમસોમ એરપોર્ટ પહોંચવાનું હતું. બચાવદળોએ સોમવારે તારા એરના વિમાનના કાટમાળમાંથી 21 મૃતદેહો બહાર કાઢયા હતાં. તેમાં 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતાં.
વિમાનમાં 4 ભારતીયો, 2 જર્મન અને 13 નેપાળી મુસાફરો આ ઉપરાંત નેપાળી ક્રૂના સભ્યો સવાર હતાં. બચાવદળોએ અકસ્માત સ્થળેથી 21 મૃતદેહો બહાર કાઢયા હતાં, એમ કાઠમાંડુના એક સમાચાર પત્રએ અહેવાલ આપ્યો હતો. એક મુસાફર હજી પણ ગુમ છે. ‘શોધ અને બચાવ દળ બચેલા બે મૃતદેહો માટે તે વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે, એમ તારા એરના પ્રવક્તા સુદર્શન બારતૌલાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું બહાર કઢાયેલા મૃતદેહો પૈકી 10ને કાઠમાંડુ લાવવામાં આવ્યા હતાં જ્યારે 11 મૃતદેહો કોવાંગ લાવવામાં આવ્યા હતાં, આ તે બેસ સ્થળ છે જ્યાંથી બચાવ કાર્ય સંચાલિત કરાઈ રહ્યું છે.
‘બચેલા 1 મૃતદેહને શોધવા અકસ્માત સ્થળે અંદાજે 100 લોકો છે જેમાં નેપાળ સેનાના અધિકારીઓ, સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પોલીસ, પર્વતીય બચાવ અધિકારી અને સ્થાનિકો સામેલ છે’, એમ તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી અને વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રાંરભિક તપાસથી જાણવા મળ્યું હતું કે ખરાબ વાતાવરણના કારણે વિમાન ડાબી બાજુએ વળવાના બદલે જમણી બાજુ વળી ગયું હતું જેના કારણે વિમાનને અકસ્માત થયો હતો. પ્રવક્તાએ કહ્યું હતું વિમાન પર્વત પર અથડાતા ટુકડે ટુકડે થયું હતું જેના કારણે મૃતદેહો દૂર દૂર સુધી પડયા હતાં.
પાયલોટે કેપ્ટનનો ફોન ટ્રેક કર્યો
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસ્તાંગ લેયટે વિસ્તારમાં પહોંચ્યા બાદ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. અધિકારીઓ દ્વારા વિમાનના પાયલટના ફોનને ટ્રેક કરીને વિમાનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી રામ કુમાર દાનીને દુર્ઘટના અંગે માહિતી આપી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે ટીટી ગામમાં વિસ્ફોટ થયાનો ધડાકાભેર અવાજ સંભળાયો હતો. આ માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વિમાનમાં ચાર ભારતીયો સવાર હતા
એરલાઇનના પ્રવક્તા સુદર્શન બાર્ટુલાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, બે જર્મન અને 13 નેપાળી નાગરિકો સવાર હતા. આ સિવાય પ્લેનમાં ત્રણ નેપાળી ક્રૂ મેમ્બર પણ હતા. પ્લેનમાં મહારાષ્ટ્રના થાણેના એક જ પરિવારના 4 લોકો હતા. ચાર ભારતીય નાગરિકોની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ અશોક ત્રિપાઠી તેની પત્ની વૈભવીથી અલગ રહેતો હતો. તે બંનેનો છૂટાછેડા અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ પગલે કોર્ટે ચુકાદા સુધી દર વર્ષે પરિવારને 10 દિવસ સાથે પસાર કરવાનો આદેશ આપ્યો હતાો. તેના ભાગરૂપે પરિવારની ચારેય વ્યક્તિ નેપાળ ગઈ હતી. તેમજ બંને બાળકો વૈભવીની સાથે રહેતાં હતાં, જ્યારે અશોક એકલો રહેતો હતો.