Business

માત્ર 2 લાખના ખર્ચે સુરતના ઉદ્યોગકારો શારજાહમાં ઓફિસ, ફેક્ટરી શરૂ કરી શકશે

સુરત: (Surat) ભારત અને યુનાઇટેડ આરબ એમીરાત (UAE) વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલા ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ હેઠળ ભારતમાંથી UAEમાં નિકાસ કરવામાં આવતી મોટાભાગની ચીજવસ્તુઓ પરની આયાત જકાત ઘટાડવામાં આવી છે. અથવા ડયુટી રદ કરવામાં આવી છે. એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ) એ SGCCI, MSME સ્ટાર્ટઅપ ફોરમ, TiE સુરત, SGTPA અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના સહયોગથી સુરતના એમએસએમઈ ઉદ્યોગકારો અને વેપારીઓ શારજાહ એરપોર્ટઈન્ટરનેશનલ ફ્રી ( SAIF ઝોન)માં બિઝનેસ શરૂ કરી શકે તે માટે શનિવારે સુરતમાં બેઠક યોજી હતી. માત્ર 2 લાખના ખર્ચે શારજાહના ફ્રી-સેફ ઝોનમાં ઉદ્યોગકારો ઓફિસ, ફેક્ટરી અથવા વેરહાઉસ ખોલી શકશે.એસોચેમે સુરતના નાના અને મધ્યમ ઉદ્યોગોને UAEમાં તેમનો આધાર સ્થાપિત કરવા અને અન્ય GCC દેશો, આફ્રિકા અને યુરોપમાં નિકાસ કરવા બેઠકમાં વિગતો રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં સુરતના 100 જેટલા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી જેમણે UAEમાં બિઝનેસ શરૂ કરવા વિશે પૂછપરછ કરી હતી. આ પ્રસંગે સૈફ ઝોનના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

SAIF ઝોનના ડાયરેક્ટર મોહમ્મદ સલીમ અલ મહમૂદે જણાવ્યું હતું કે, “શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી (SAIF) ઝોન હબ થકી વેપાર માટે વિશ્વભરના દેશો સુધી પણ પહોંચી શકાય છે. કોઈપણ નાના કે મોટા વેપારી માત્ર 2 લાખ રૂપિયા એટલે કે 10 હજાર દિરહામ ચૂકવીને SAIF ઝોનમાં પોતાની ઓફિસ કે ફેક્ટરી ખોલી શકે છે, જેમાં એક વર્ષનું ભાડું, વીજળી, પાણી, તમામ પરવાનગી અને 3 લોકોના વિઝાનો સમાવેશ થાય છે. રસ ધરાવતા લોકોએ ફક્ત SAIF ઝોનની ઓફિસમાં જઈને તેમના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. ત્યાંથી બિઝનેસ કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે. યુએઈ અને ભારત ઘણા વર્ષોથી મજબૂત વેપાર સંબંધો ધરાવે છે.

ભારત સંયુક્ત આરબ અમીરાતનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે,તેલ સિવાયના વેપારમાં 50 બિલિયનથી વધુનો વેપાર ભારતનો છે.18 ફેબ્રુઆરીના રોજ, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા, એ બંને દેશો વચ્ચે વેપાર કરી શકાય તેવા માલની મહત્તમ સંખ્યા પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે.CEPA કરાર આગામી 8 વર્ષમાં માલસામાનના દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ 100 બિલિયન સુધી પહોંચાડવા માટે નિર્ધારિત છે. ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી કાપડ, હીરા અને ફૂડ પ્રોસેસિંગ એ મુખ્ય ક્ષેત્રો છે જેમાં UAE નિકાસ કરે છે.

શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોનની સ્થાપના 1995 માં કરવામાં આવી હતી, અને તે UAE માં સૌથી જૂનો ફ્રી ટ્રેડ ઝોન છે શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટની ખૂબ જ નજીક હોવાને કારણે, આ ઝોન ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સના દૃષ્ટિકોણથી એનું મહત્વ રહ્યું છે. આ ઝોનમાં પોતાનો વ્યવસાય સ્થાપતા વેપારીઓ માટે સબસિડી અને પ્રોત્સાહક યોજનાઓ પણ છે. ફ્રી ઝોનમાં હાલમાં વિશ્વભરમાંથી 7000 કંપનીઓ છે, જેમાંથી 2000 ભારતીય કંપનીઓ છે.ભારતીય કંપનીઓ SAIF ઝોનમાં 35% ભાગીદારી ધરાવે છે.

Most Popular

To Top