આણંદ : લુણાવાડાના નાના સોનેલા ગામે રહેતા બે ભાઈએ તેના ઘર પાસે આવેલી ખુલ્લી જમીન પચાવી પાડી તેના પર મકાન બાંધી દીધું હતું. આ ખુલ્લી જમીનના માલિકની દિકરીને જાણ થતાં તેઓએ ફરિયાદ આપતાં પોલીસે બન્ને ભાઈ સામે ગુનો નોંધ્યો હતો. લુણાવાડાના ગણપતી મંદિરની બાજુમાં રહેતા અને હાલ અમદાવાદના નરોડામાં રહેતા તારાબહેન જયશંકર ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાજી જયશંકર ત્રિવેદીના વારસદાર તરીકે અમે ત્રણ બહેનો છીએ. મારા પિતાજીનું અવસાન થયું છે. તે પહેલા નાના સોનેલા ગામે આવેલી ખેતીની જમીન વડીલોપાર્જીત માલીકીની અમારા ત્રણ બહેનોના નામ ચડાવવામાં આવ્યાં છે.
આ આખી જમીનમાં સન 2016ના વર્ષમાં મનોજભાઈ જશવંતભાઈ જોષી તથા જીગ્નેશભાઈ જશવંતભાઈ જોષી (રહે.નાના સોનેલા, લુણાવાડા)એ કબજો કરી લીધો હતો. આથી, આ જમીનમાંથી કબજો ખાલી કરી દેવા માટે સમજાવ્યું હતું. પરંતુ તેઓએ આ જમીન ખાલી કરવાના નથી. તમારાથી થાય તે કરી લો. તેમ જણાવ્યું હતું. આથી, આ અંગે કલેક્ટરમાં રજુઆત કરતાં કલેક્ટરે બન્ને ભાઈ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ 2020 અન્વયે ગુનો દાખલ કરવા આદેશ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં લુણાવાડા પોલીસે મોનજભાઈ જસવંતભાઈ જોષી, જીગ્નેશ જશવંતભાઈ જોષી સામે ગુનો નોંધ્યો હતો.