National

NEET-UG વિવાદ: સુપ્રીમ કોર્ટે NTA અને કેન્દ્રને નોટિસ ફટકારી, હાઈકોર્ટના તમામ કેસ પર પણ સ્ટે મૂક્યો

સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ના કેસોને વિવિધ હાઈકોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટેની અરજીઓના સંબંધમાં કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરી છે. કોર્ટે આ કેસોને લગતી હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર પણ સ્ટે મુકી દીધો છે. વધુમાં કોર્ટે મેઘાલયમાં NEET-UG પરીક્ષા માટે હાજર રહેલા વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી છે જ્યાં ઉમેદવારોએ કથિત રીતે 45 મિનિટ ગુમાવી દીધી હતી.

અરજદારે 1,563 વિદ્યાર્થીઓના જૂથમાં જોડાવાની માંગ કરી હતી જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા અને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી પણ 8મી જુલાઈએ નક્કી કરી છે. બીજી તરફ શિક્ષણ મંત્રાલયે પટનામાં આયોજિત NEET-UG 2024 પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે બિહાર પોલીસના આર્થિક ગુના એકમ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. મંત્રાલયે બુધવારે કહ્યું કે ગ્રેસ માર્કસની ફાળવણી અંગેની ચિંતાઓ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે.

આ પહેલા પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
મંગળવારે પણ સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષા આયોજિત કરવામાં કોઈપણ બેદરકારી સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભાટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી હતી કે જો કોઈની તરફથી 0.001 ટકા બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. આ તમામ બાબતોને વિરોધી મુકદ્દમા તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.

વિદ્યાર્થીઓએ કથિત પ્રશ્નપત્ર લીક, ગ્રેસ માર્ક્સ આપવા અને પરીક્ષાના પ્રશ્નોમાં વિસંગતતા સંબંધિત મુદ્દા ઉઠાવ્યા છે. 5 મે 2024 ના રોજ નવી અરજીઓ પ્રાપ્ત થતાં સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ જારી કરી અને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો. આ અરજીઓ પર હાલની અરજીઓ સાથે 8મી જુલાઈએ સુનાવણી થશે.

5 મેની પરીક્ષા દરમિયાન થયેલી ગેરરીતિઓને કારણે અનેક અરજીઓમાં NEET-UG 2024ના પરિણામોને રદ કરવા અને પરીક્ષાનું નવેસરથી આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. જો કે NTA એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે 1,563 ઉમેદવારોના સ્કોરકાર્ડને અમાન્ય કરી દેશે જેમણે પરીક્ષામાં વિક્ષેપને કારણે “ગ્રેસ માર્ક્સ” મેળવ્યા છે જેનાથી તેઓ ફરીથી પરીક્ષા આપી શકશે.

Most Popular

To Top