નવસારી, વલસાડ: (Navsari Valsad) સરકારે આપેલી છૂટછાટ અને તહેવારોમાં લોકોએ કરેલી મજાની અસર હવે વર્તાઈ રહી છે. જેમાં આજે વલસાડ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 6, નવસારી જિલ્લામાં વધુ 2 અને દમણમાં 2 નવા કેસ નોંધાયા હતા. વલસાડ તાલુકામાં નોંધાયેલા તમામ કેસ કોરોના હબ બની રહેલા વલસાડ તાલુકામાં નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 6165 કેસ નોંધાયા છે, જે પૈકી 5668 નેગેટિવ નોંધાયા હતા. જ્યારે 45 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાનાં 265409 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 259244 નેગેટિવ અને 6165 પોઝિટિવ નોંધાયા હતા. ગુરુવારે જિલ્લામાં નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં કોસંબાની 66 વર્ષીય પુરુષ, તિથલ રોડના 74 વર્ષીય વૃદ્ધ, જૂજવાંનો 60 વર્ષીય આધેડ, વલસાડ પારડીની 49 વર્ષીય પુરુષ, ધમડાચીનો 44 વર્ષીય પુરુષ અને સિવિલ રોડના 64 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.જ્યારે નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા.
જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 10 કોરોનાના કેસો નોંધાયા છે. આજે ગુરૂવારે વધુ 2 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં ચીખલી તાલુકામાં 1 અને વાંસદા તાલુકામાં 1 કેસ કોરોનાના નોંધાયા છે. વાંસદા તાલુકાના સિણધઇ ગામે રાજપૂત ફળિયામાં રહેતી વૃદ્ધા અને ચીખલી તાલુકાના થાલા ગામે શ્વેચ્છા સોસાયટીમાં રહેતા આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી જિલ્લામાં કોરોનાના કુલ 7229 કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે આજે જિલ્લામાં 1 કોરોના પોઝિટિવ દર્દી સાજો થતા હમણાં સુધીમાં કુલ 7023 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં હમણાં સુધી 193 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ગુરૂવારે જિલ્લામાં 1406 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 436711 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 428076 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા. જ્યારે 7229 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
લાંબા વિરામ બાદ દમણમાં કોરોનાના 2 કેસ
દમણ : દમણમાં લાંબા વિરામ બાદ ફરી એક સાથે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરૂવારે આરોગ્ય વિભાગે 105 જેટલા ટેસ્ટ કર્યા હતા. જે પૈકી 2 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ વિભાગે બન્ને વ્યક્તિઓને કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર આરંભી હતી. દમણમાં એક્ટિવ કેસની સંખ્યા 2 થઈ છે. દમણમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3514 જેટલા લોકો સાજા થયા છે. હાલ દમણમાં એક પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થવા પામ્યો નથી.