નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધીને હવે સવાસો થઇ ગયા છે અને એ પણ સત્તાવાર આંકડા છે. બિનસત્તાવાર આંકડા તો તેનાથી અનેક ઘણા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર (Treatment) તથા નિદાનના કોઇ જ આંકડા સરકાર પાસે ન હોવાને કારણે જિલ્લામાં કોરોનાનું સાચુ ચિત્ર બહાર આવતું નથી. જિલ્લામાં સબ સલામતની બાંગ પોકારતા જિલ્લાના આરોગ્ય અધિકારી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી ઉચ્ચ અધિકારીઓની કુર્નિશ બજાવવામાંથી ઊંચા આવતા નથી, ત્યારે જિલ્લામાં બે દિવસથી કોરોનાની રસીનો જથ્થો ખત્મ થઇ ગયો છે, તેની જરાય ચિંતા કરતા હોય એમ લાગતું નથી.
નવસારી જિલ્લામાં સતત બે દિવસથી કોરોનાના નવા 20 – 20 કેસો નોંધાઇ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં પોણોસો કેસ (Case) નોંધાયા છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલા કેસો છે. ખાનગી હોસ્પિટલના આંકડાનો તેમાં સમાવેશ થતો નથી. ખાનગી હોસ્પિટલોમાંથી મળતા હેવાલ મુજબ તો નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને વહીવટી તંત્ર તથા પદાધિકારીઓ દાંડીયાત્રાના તાયફામાં પડેલા છે. ગાંધીજીએ પહેલાં પ્રજાની સેવાની વાત કરી હતી, તે આ તમામ મોટા માથાઓ ભુલી ગયા છે.
એક તરફ રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા પોલીસ તંત્રને કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવવા માટે સખ્ત પગલાં ભરવા આદેશ કરે છે, તો બીજી તરફ નવસારી જિલ્લા પોલીસ વડાની કચેરી સામે જ આવેલા લૂન્સીકૂઇ મેદાનમાં કોરોનાની ગાઇડલાઇનના ચીંથરેચીંથરા તેમની જ પોલીસની નજર સામે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઉડી ગયા હતા. એ જ રીતે આરોગ્ય અધિકારી પણ અત્યારે દાંડી યાત્રાની ઉજવણીમાં એવા મંડી પડ્યા છે કે જિલ્લામાં કોરોનાની રસીનો જથ્થો ખૂટી પડ્યો છે, તેની પણ તેમણે પરવા કરી નથી. તેમણે અગાઉથી અંદાજ માંડીને સ્ટોક પૂરો થાય એ પહેલાં બીજી રસીનો (Vaccination) જથ્થો આવી જાય એવું આયોજન કરવું જોઇએ, તે કરવામાં તેઓ સરિયામ નિષ્ફળ ગયા છે, ત્યારે ભાજપના નેતાઓએ તત્કાળ તેમની બદલી કરી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઇએ.
દરરોજ એક જ તાલુકામાં અધધ કેસ કેમ આવે છે ?
નવસારી : છેલ્લાં લાંબા સમયથી સત્તાવાર કોરોનાના પોઝિટિવ કેસોની યાદી જોઇએ તો દરરોજ કોઇ એક જ તાલુકામાં સાતથી આઠ કેસ આવતા હોય છે. એનો અર્થ એમ લાગે છે કે કોરોનાના ટેસ્ટ આખા જિલ્લાને બદલે દરરોજ જુદા જુદા તાલુકામાં જ કેન્દ્રિત થતા હોય છે. ડોર ટુ ડોર ટેસ્ટ કરાય તો હજુ વધુ કેસો બહાર આવે એમ છે. સબ સલામતની બાંગ પોકારવામાં જિલ્લા આરોગ્ય અધિકારી ભાવસાર લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે.
વિરાવળ સ્મશાનમાં છેલ્લા બે દિવસની મૃતકોની યાદી જોખમની ચાડી ખાય છે !
નવસારી : વિરાવળ સ્મશાન ખાતેની છેલ્લા બે દિવસની યાદી જોતાં નવસારીની સ્થિતિ વણસી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ અગ્નિસંસ્કાર કરાયા હોય એવા 9 મૃતદેહ છે. બે દિવસમાં 9 મૃતકોનો આંકડો છે, તો સરકારી ચોપડે તો ગયા ડિસેમ્બરથી એક પણ મોત થયું નથી અને અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 102 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું દર્શાવે છે. કદાચ, સરકારી આંકડાને જોરે જ સબસલામતની બાંગ પોકારવાનું છોડીને આરોગ્ય વિભાગ નવસારી જિલ્લામાં ખાનગી હોસ્પિટલના આંકડા પણ મેળવીને કોરોનાની સાચી સ્થિતિ સ્પષ્ટ કરે એ જરૂરી છે.
ડૉ. ભાવસારે ફોન ઉંચક્યો નહીં
જિલ્લામાં કોરોનાની રસીનો જથ્થો ઘટી ગયાની બુમરાણ શરૂ થતાં સાચી સ્થિતિ જાણવા ‘ગુજરાતમિત્ર’ના પ્રતિનિધિએ ડૉ. ભાવસારને ફોન કરતાં તેમની પત્નીએ ડૉક્ટર ન્હાવા ગયાનું જણાવ્યું હતું. જો કે એ પછી પણ તેમની પાસેથી સાચી માહિતી જાણવા ફોન કરવા છતાં તેમણે ફોન નહીં ઉપાડતાં તેમનો અભિપ્રાય જાણી શકાયો નથી.
ટૂંક સમયમાં રસીનો જથ્થો આવી જશે : મેહુલ ડેલીવાલા
નવસારી : નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી મેહુલ ડેલીવાલાએ જણાવ્યું હતું કે, ગઈ કાલ સુધી વેકસીનેશન થયું હતું. રસીનો જથ્થો આજે પૂર્ણ થઈ ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા જ અપાયો ન હતો. હાલ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના કેસો વધુ હોવાથી ત્યાં વેકસીન વધુ મોકલવામાં આવી રહી છે. આજે વિડીયો કોન્ફરન્સ હતી તેમાં ટૂંક સમયમાં જ નવસારી જિલ્લામાં વેક્સિન મોકલવામાં આવશે. અને વેક્સિન આપવાનું શરૂ કરાશે.