નવસારી, ધનોરીનાકા (ગણદેવી) : નવસારી જિલ્લામાં (Navsari District) કછોલી ગાંધીઘર મુકબધિર શાળાના 2 વિદ્યાર્થીઓને કોરોના થતા શાળા બંધ કરવામાં આવી છે. એ સિવાય જિલ્લામાં અન્ય 4 નવા કેસ કોરોનાના નોંધાયા છે. હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Election) પૂરી થઈ છે. આ ચૂંટણીમાં થયેલી બેદરકારી અને મોટા પ્રમાણમાં ટોળા એકત્રિત થવાને લીધે કે માસ્ક વગેરે બાબતમાં દાખવેલી બેદરકારીને લીધે આવા બનાવો બનવાની શક્યતા સામાન્ય રીતે જણાતી હતી. આ બેદરકારીના ભાગરૂપે કછોલીના બે બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું લોકજીભે ચર્ચાય છે. નવસારી જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં 6 કોરોનાના નવા કેસો નોંધાયા છે. જેમાં આજે 4 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાએ શાળામાં (School) પ્રવેશ કરી દીધો છે. જેમાં કછોલી ગામે આવેલી ગાંધીઘર મુકબધિર શાળાના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. ધોરણ 11 અને ધોરણ 12ના મુકબધિર વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. શાળાને 14 દિવસ સુધી બંધ કરી સમગ્ર શાળાને સેનિટાઇઝ કરવામાં આવી હતી. કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની ચકાસણી કરવામાં આવી હતી. અને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુરૂવારે જિલ્લામાં અન્ય 4 નવ કેસો નવસારી તાલુકામાં નોંધાયા છે. જેમાં કબીલપોર ગામે આનંદ વાટિકા સોસાયટીમાં રહેતી આધેડ મહિલા, ચોવીસીની ગોકુલધામ રેસિડન્સીમાં રહેતા પતિ-પત્ની અને જલાલપોરના ટ્રાન્સવાલ નગરમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આંકડો 1586 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં કોરોના કેસમાં વધારો થતા હાલ કુલ 11 કોરોનાના એક્ટિવ કેસ છે. આજે 454 લોકોને સેમ્પલો લેવામાં આવ્યા હતા.
સવા મહિના પછી ડાંગમાં કોરોનાનાં નવા ચાર કેસ સામે આવતા લોકોમાં ફફડાટ
સાપુતારા : ડાંગમાં કોરોનાનાં નવા ચાર કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડાંગ જિલ્લામા ફરી કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. આ અગાઉ ડાંગ જિલ્લામાં કોરોનાના છેલ્લા દર્દીને ગત તા.૨૮મી જાન્યુઆરી ૨૦૨૧એ રજા આપવામાં આવી હતી. ત્યારબાદ આશરે સવા મહિના પછી ફરી એકવાર ડાંગમા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગત અનુસાર આહવામાં ૫૮ વર્ષીય પુરુષ સહીત ૩૬, ૩૧, અને ૨૫ વર્ષીય યુવકના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગે ત્વરિત પગલાઓ હાથ ધરી, પ્રજાજનોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. આજના ચાર નવા કેસ સાથે ડાંગમા ૧૬૫ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જે પૈકી ૧૬૧માં દર્દીને આ અગાઉ જ ગત તા.૨૮/૧/ ૨૦૨૧ના દિને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી. ડો.ડી.સી.ગામીતના જણાવ્યા અનુસાર ડાંગમાં આજદિન સુધી આરોગ્ય વિભાગ દ્વારા ૩૪,૭૬૮ સેમ્પલ લેવામા આવ્યા છે. જે પૈકી આજે લેવાયેલા ૮૮ એન્ટીજન ટેસ્ટમાથી ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં 4 દિવસમાં 8, નવા 3 કેસ
વલસાડ : વલસાડ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા, જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં 4 દિવસમાં કોરોનાના 8 કેસ નોંધાતા ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નવા નોંધાયેલા કેસમાં વલસાડ વશિયર 51 વર્ષ પુરુષ, વલસાડ શિવ દર્શન કોમ્પ્લેક્સ 49 વર્ષ પુરુષ અને વાપી ચલા પ્રમુખ રેસિડન્સીની 47 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1376 કેસ નોંધાયા છે, જે પેકી 1210 સારા થયા છે અને 13 દર્દીઓ સારવાર હેઠળ છે.