Dakshin Gujarat

વસીમ બિલ્લા હત્યા કેસમાં નવો ખુલાસો, સાસરીયાઓએ બિલ્લાની ભાભીને માર મારીને કહ્યું 15 કરોડ..

નવસારી : નવસારીના (Navsari) ચકચારિત વસીમ બિલ્લા (Wasim Billa) હત્યા કેસમાં (Murder case) નવો વળાંક સામે આવ્યો છે. મૃતક વસીમ બિલ્લાની ભાભીને નવસારીના સાસરીયાઓએ (in-laws) માર મારી ઘરની બહાર કાઢી મૂકી હોવાનો બનાવ મહિલા પોલીસ (Police) મથકે નોંધાયો છે. ત્યારે મૃતક વસીમ બિલ્લાની ભાભીએ વસીમ બિલ્લા હત્યા કેસમાં સાસરીયાઓએ બદ્રી લેશવાલા પાસેથી 15 કરોડ રૂપિયા લઈ સમાધાન કર્યું હોવાના ફરિયાદમાં આક્ષેપો કર્યા હતા. સાથે જ 15 કરોડ રૂપિયાવાળી વાત કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ સાસરીયાઓએ વસીમ બિલ્લાની ભાભીને આપી હતી.

  • સાસરીયાઓએ વસીમ બિલ્લા હત્યાના કેસમાં બદ્રી લેશવાલા પાસે ૧૫ કરોડ રૂપિયા લઈ સમાધાન કર્યું હોવાના પરિણીતાએ આક્ષેપો કર્યા
  • 15 કરોડ રૂપિયાવાળી વાત કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી સાસરીયાઓએ આપી હતી
  • નવસારીના ચકચારિત વસીમ બિલ્લા હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો

મળતી માહિતી મુજબ, નવસારી ચારપુલ ઝારાવાડ મસ્જીદની સામે ઝારાવાડ મહોલ્લામાં રહેતી રૂખસારના લગ્ન ગત 2010 માં નવસારી વિરાવળ જકાતનાકા અલ્ટીમેટ હાઇટ્સમાં રહેતા ફિરોઝ ગુલામ મોહમદ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ રૂખસાર સંયુક્ત કુટુંબમાં સુરત ઝાપા બજાર તૈયબી મહોલ્લામાં રહેવા ગઈ હતી. લગ્ન જીવન દરમિયાન રૂખસારને કોઈ સંતાન નહીં હોવાથી સાસુ શાયરાબાનું શેખ, સસરા ગુલામ શેખ, જેઠ ઇમરાન શેખ અને નણંદ શાહીનાબાનુ શેખ મ્હેણાં-ટોણા મારતા હતા. જો સંતાન નહીં થાય તો પતિ ફિરોઝના બીજી છોકરી સાથે લગ્ન કરાવી દેશે એમ કહી માનસિક ત્રાસ આપતા હતા. જોકે ત્યારબાદ રૂખસારને ગર્ભ રહ્યો હતો. પરંતુ ગર્ભાવસ્થામાં સાસરીપક્ષે પતિ ફિરોઝની ચઢામણી કરતા હોવાથી ફિરોઝ રૂખસારને માર મારતો હતો. ત્યારબાદ ગત 2013 માં રૂખસારને પુત્રનો જન્મ થતા તેણી દીકરા અને પતિ ફિરોઝ સાથે નવસારી આવી ભાડેના મકાનમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ સાસરિયાઓ વાર-તહેવારે ઘરે આવી રૂખસાર સાથે બોલાચાલી કરી, પતિ ફિરોઝની કાન ભંભેરણી કરતા હતા. જેથી ફિરોઝ રૂખસારને શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારતા હતા.

ગત 12મી ઓક્ટોબર 2020 રૂખસારના દિયર વસીમ બિલ્લાના મરણના સમાધાનના 15 કરોડ રૂપિયાની બાબતે બદ્રી લેશવાલા સાથે લેવડ-દેવડ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારે પણ સાસરીયાઓએ રૂખસારને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને દીકરાને ઘરની બહાર નહી નીકળવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગત 13મી ઓક્ટોબર 2020 ના રોજ પતિ ફિરોઝે રૂખસારના મોટા ભાઈ મુનાફ, માતા જેતુનબીબી અને નાનો ભાઈ ઈરફાન શેખને ફોન કરી રૂખસાર અને દીકરાને લઈ જવા માટે બોલાવ્યા હતા. જેથી તેઓ રૂખસારને લેવા માટે જતા ફિરોઝે તેમની સાથે પણ બોલાચાલી કરી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.

પરંતુ રૂખસારની શારીરિક હાલત સારી નહીં હોવાથી ભાઈ ઈરફાન લેવા માટે જતા પતિ ફિરોઝે આ 15 કરોડ રૂપિયાવાળી વાત કોઈને કહેશો કે, તમે કોઇપણ જાતની, કોઈને કહેવાની હોશિયારી કરશો કે કેસ કરવા ગયા તો તમને બંનેને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જોકે આ બાબતે રૂખસારે નવસારી ટાઉન પોલીસ મથકે અરજી આપતા પતિ ફિરોઝ રૂખસારને માર મારવા માટે તેમજ જાનથી મારી નાંખવા માટે વોચમાં રહેતા અને રૂખસારનો પીછો કરતા હતા. આ બાબતે રૂખસારે નવસારી મહિલા પોલીસ મથકે પતિ ફિરોઝ, સસરા ગુલામ શેખ, સાસુ શાયરાબાનુ શેખ, જેઠ ઇમરાન શેખ અને નણંદ શાહીનાબાનુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. શિલ્પાબેન દેસાઈએ હાથ ધરી છે.

વસીમ બીલ્લાની હત્યા કેસમાં સમાધાન પેટે લીધેલા 15 કરોડ રૂપિયાના આક્ષેપો બાબતે કોર્ટમાં પણ ફરિયાદ
મૃતક વસીમ બિલ્લાની ભાભી રૂખસારે નવસારી જિલ્લા કોર્ટમાં પણ વિવિધ આક્ષેપો કરતી ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમને વસીમ બિલ્લાની હત્યાના આરોપી બદ્રી લેશવાલાની ધરપકડ નહી કરનાર જવાબદાર પોલીસ અધિકારી તેમજ સમાધાન કરી 15 કરોડનો તોડ કરનાર ફિરોઝ, ગુલામ મહમદ, ઇમરાન, સાકીબ મસ્તાન, ઈસ્માઈલ મામા, મુખ્તીયાર શેખ અને જક્કી શેખ વગેરે દ્વારા અપાતી હત્યાની ધમકી બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ 15 કરોડના વહીવટ બાબતે વાપી ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ નહી ધરનાર અધિકારી સામે પગલા લેવાની માંગ કરી છે.

Most Popular

To Top