નવસારી: (Navsari) નવસારીમાં લગ્નના (Marriage) ડીજેમાં નાચતા ધક્કો લાગતા ઝપાઝપી થઈ હતી. જોકે તે બાબતે સમાધાન થઈ ગયું હતું. પરંતુ બીજા દિવસે 2 યુવાનોએ તેના મિત્રો (Friends) સાથે હોકી અને તલવાર લઈ સાળા-બનેવી ઉપર હુમલો કરી માર મારતા તેઓને ઈજા થઈ હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
- ‘અમારો મોબાઈલ નંબર અને નામ માંગી તારે શું કરવાનું હતું, તું બહુ મોટો દાદો થઈ ગયો છે’
- નવસારીમાં લગ્નના ડીજેમાં નાચતા ધક્કો લાગતા 4 યુવાનોનો હોકી અને તલવાર વડે સાળા-બનેવી પર હુમલો
મળતી માહિતી મુજબ, નવસારી છાપરા રોડ ગાયવાડીમાં રહેતા સંજયભાઈ ડાહ્યાભાઈ નાયકા ત્રણ દિવસ અગાઉ કાકા અરવિંદભાઈના દીકરા કલ્પેશભાઈના લગ્ન હોવાથી ડી.જે. રાસ ગરબાનું આયોજન કર્યું હતું. દરમિયાન નાચતા-નાચતા ઘર સામે રહેતા ધુલીઓ સાથે નાચવામાં ધક્કો લાગી જતા બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જોકે ત્યારે ઘરનો પ્રસંગ હોવાથી સમજાવટ કરતા સમાધાન થયું હતું. ત્યારબાદ સંજયભાઈ પંચવટી સોસાયટીમાં રહેતા તેના બનેવી નરેન્દ્રભાઈ નાયકાના ઘરે જઈ તે છોકરાઓના નામ પુછતા ચેતન અને સની હોવાનું જણાવ્યું હતું.
ગત 7મીએ રાત્રે સંજયભાઈ તેના ઘરની બહાર ગાડી પાસે કુટુંબી બનેવી સંજયભાઈ હળપતિ સાથે ઉભા હતા. ત્યારે ચેતન હાથમાં હોકી લઈ, સની હાથમાં તલવાર લઈ તેમજ તેના બે મિત્રો પૈકી એકના હાથમાં બ્લોક લઈ આવી સંજયભાઈ નાયકાને ‘અમારો મોબાઈલ નંબર અને નામ માંગી તારે શું કરવાનું હતું, તું બહુ મોટો દાદો થઈ ગયો છે’ તેમ કહી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. ત્યારે બનેવી સંજયભાઈ હળપતિ વચ્ચે પડતા તેમને પણ માર મારવા લાગ્યા હતા. આ મારામારીમાં ચેતને હોકી સંજયભાઈ નાયકના કપાળના ભાગે તેમજ સનીએ તેના હાથમાંની તલવાર સંજયભાઈ હળપતિના કપાળના ભાગે મારતા બંનેના કપાળના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું.
જેથી તેઓએ બુમાબુમ કરી દેતા મહોલ્લાના તમામ લોકો બહાર આવી જતા ચેતન, સની અને અન્ય બે છોકરાઓ ‘ફરીવાર અમારું નામ લેશે તો તને જાનથી મારી નાંખીશું’ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જ્યારે સંજયભાઈ નાયકા અને સંજયભાઈ હળપતિને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે સંજયભાઈ નાયકાએ નવસારી ટાઉન પોલીસ મથકે ચેતન અને સની સહીત તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે ચૌધરીએ હાથ ધરી છે.