નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં.48 (National Highway) ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે ધોળાપીપળા બ્રિજ પાસેથી સેનેટરી પેડના બોક્ષની આડમાં રૂ.1.15 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં.48 ઉપર ધોળાપીપળા બ્રિજ પાસેથી એક ટેમ્પો નં.(જીજે-35-ટી-9333)ને રોકી તપાસ કરી હતી. જે ટેમ્પોમાં પાછળ ડાલાની ભાગે લવલી લુક સેનેટરી પેડના બોક્ષની આડમાં ચોરખાનામાં મીણીયા થેલીમાંથી 1,15,200 રૂપિયાની વિદેશી દારૂની 1920 નંગ બાટલીઓ મળી આવતાં સુરત ભેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા સુમીત છોટેલાલ શર્માને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સુમીતની પૂછપરછ કરતાં સુરત પાંડેસરામાં રહેતા સંજય રામખેલાવન કનોજીયાએ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરત પાંડેસરામાં જ રહેતા પપ્પુએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સંજય અને પપ્પુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને 5 લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ્લે 6,20,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
બોરીયાચ ટોલનાકા પાસેથી 37.02 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે 2 ઝડપાયા, 3 વોન્ટેડ
નવસારી : નેશનલ હાઈવે નં.48 ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા પાસેથી રૂ.37.02 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે બેને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં.48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ટાટા કંપનીનો 18 ટાયર વાળા ટેન્કર નં.(જીજે-02-ઝેડ-3861)ને રોકી તપાસ કરી હતી. જે ટેન્કરના ચોરખાનામાંથી રૂ.37.02 લાખના વિદેશી દારૂની 6,540 નંગ બાટલીઓ મળી આવતા રાજસ્થાનના સાંચોર તાલુકાના ખારા ગામ ગોગલા ધાણી નારાયણરામ મુલારામ છોગાજી ખારા અને રાજસ્થાનના સંચોર તાલુકાના લીયાદરા ખેતકી ધાણીમાં રહેતા રીડમલરામ ઈશારામ કુલાજી બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા. પોલીસે નારાયણરામ અને રીડમલરામની પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોર તાલુકાના સરનવ ગામે રહેતા ગણપત વનારામ બિશ્નોઈએ વિદેશી દારૂનો જથ્થો ભરાવ્યો હતો.
એક અજાણ્યો ઇસમ પંજાબ પટિયાલા હાઈવે ઉપર આવેલા ધાબા ઉપરથી ટેન્કર લઈ જઈ તેમાં દારૂનો જથ્થો ભરી મૂકી ગયો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર વડોદરા નેશનલ હાઈવે નં.48 તથા એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ ઉપરથી એક અજાણ્યો ઇસમ લઈ જવાનો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે ગણપતભાઈ અને અન્ય બે અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 30 લાખનો ટેન્કર, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 17,240 રૂપિયા મળી કુલ્લે 67,24,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.