Vadodara

વડોદરા: કોંગ્રેસમાં કચાશ તો ભાજપામાં ભડાશ, કોંગ્રેસમાં વધુ 3 રાજીનામાં પડ્યા

વડોદરા: હાલમાં ભલે વરસાદી મોસમ ચાલી રહી છે પરંતુ કોંગ્રેસ (Congress) માટે હાલ રાજીનામાની (Resignation) મોસમ ચાલી રહી છે. શહેર કોંગ્રેસના એક બાદ એક કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે અને તમામ આગામી 17 સપ્ટેમ્બરના રોજ ભાજપામાં (BJP) જોડાવાની તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી વધુ 3 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા. જેમાં બે પૂર્વ કોર્પોરેટર (Corporater) અને એક વર્તમાન શહેર મહામંત્રીનો સમાવેશ થાય છે.

ચૂંટણીઓ (Election) આવે એટલે પક્ષ પલટુઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે. અને એક દરેક પક્ષમાં જાણે ભરતી મેળો જ શરુ થઇ જાય છે. ઉગતા સૂરજને પૂજવામાં માનનારા કેટલાક રાજકારણીઓ જ્યાં પદ અને સત્તા દેખાય ત્યાં જવા માટે પોતાની વિચારધારાને નેવે મુક્ત જરાય ખચકાતા નથી. ત્યારે હાલમાં વડોદરામાં પણ કઈ આવા જ હાલ છે. હાલમાં વડોદરા શહેર કોંગ્રેસમાં રાજીનામાંની મોસમ પૂર બહારમાં ખીલી છે. ગતરોજ પ્રશાંત પટેલે રાજીનામુ આપ્યા બાદ વધુ 3 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે. પૂર્વ કોર્પોરેટર જયેશ ઠક્કર, પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર અને શહેર કોંગ્રેસના મહામંત્રી નૈલેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ ધરી દીધું છે. શહેરમાં હાલ આ ટાઉન બન્યો છે કે કાર્યકરો કોંગ્રેસ કેમ છોડી રહ્યા છે. અચાનક સાગમટે રાજીનામાં પડતા કોંગ્રેસમાં પણ ભૂકંપ સર્જાયો છે.

આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે તે નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંભવતઃ આ કાર્યક્રમમાં પ્રદેશ .અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આવવાના છે ત્યારે તેઓની ઉપસ્થિતિમાં આ તમામ ભાજપાનો ભગવો ખેસ ધારણ કરશે.અને વિધિવત રીતે ભાજપામાં જોડાઈ જશે. હાલમાં શહેરમાં કોંગ્રેસ જે નબળી હતી તે વધુ નબળી થઇ રહી છે અને ભાજપા વધુ .મજબૂત બની રહ્યું છે. શહેરમાં એવી સ્થિતિ છે કે હવે વિપક્ષ જેવું કઈ રહેશે જ નહિ. ત્યારે આગામી લોક સભાની ચૂંટણીમાં કોંગ્રેસના શું હાલ થાય છે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

ભાજપામાં ભરતી મેળો કે શરતી મેળો
કોંગ્રેસનો સાથ છોડી 3000 થી વધુ કાર્યકરો ભાજપાનો હાથ પકડી રહ્યા હોવાનો દાવો શહેર પ્રમુખ કરી રહ્યા છે. ત્યારે એમ પણ ચર્ચા છે કે જે દિગ્ગજો કોંગ્રેસ છોડી આવી રહ્યા છે તેઓને ક્યાંક તો પ્રલોભનો આપવામાં આવ્યા હશે ક્યાંક તો કોઈક ને કોઈક વાયદાઓ આપવામાં આવ્યા હશે. ત્યારે આગામી દિવસોમાં ભાજપામાં ભરતી મેળો યોજાશે તે ચોક્કસ શરતી મેળો બની રહેશે તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસમાં 3000 કાર્યકરો જ નથી તો ભાજપામાં જોડાશે ક્યાંથી? એક કોંગ્રેસના નેતાની ટીખળ
કોંગ્રેસના એક ચૂંટાયેલા વરિષ્ઠ નેતાઓએ હસતા હસતા એમ જણાવ્યું હતું કે ભાજપના શહેર પ્રમુખ કોંગ્રેસના 3 હાજર કાર્યકરોને ભાજપમાં જોડવાની વાત કરી રહ્યા છે પરંતુ શહેરમાં કોંગ્રેસ પાસે એટલા કાર્યકરો જ નથી તો કોણે જોડાશે? કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠ્યા 700 કાર્યકરો છે તો ભાજપામાં 3 હજાર કેવી રીતે જોડાશે ?

ભાજપના યુવા કાર્યકરો અને કેટલાક દિગ્ગજોમાં પણ નારાજગી
કોંગ્રેસમાંથી કેટલાક અગ્રીમ હરોળના કાર્યકરો ભાજપામાં જોડાઈ રહ્યા છે. આ જોડાણ પહેલા ભાજપામાં જ આંતરિક ડખા શરુ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે કાર્યકરો વર્ષોથી ભાજપા સાથે સંકળાયેલા છે અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે તેઓમાં ખચવત શરુ થયો છે. કારણ કે કોંગ્રેસમાંથી આવતા આગેવાનોને કોઈક ને કોઈક પદ આપવા માટેના વાયદાઓ કરાયા હશે ત્યારે જુના કાર્યકરોનું શું? ભાજપમાં કાર્યકર તરીકે માત્ર સેવા જ આપવાની એમ પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

ભાજપા પોતાના આંતરિક વિખવાદ સાચવી શકી નથી
મારી પાસે એકેય રાજીનામુ હાથ પર આવ્યું નથી જેઓએ રાજીનામાં આપ્યા છે તે સોશયલ મીડિયામાં આપ્યા છે. ભાજપા પાસે શું સારા કાર્યકરોની કમી છે? ભાજપા પોતાના આંતરિક વિખવાદોને સાચવી શકી નથી. લેટર કાંડ થયો, એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા પડ્યા આ વિખવાદો સમ્યા નથી. જે કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે તેઓ વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા નથી. કોંગ્રેસે અગાઉ તેઓને અનેક પદ આપ્યા છે. ટિકિટો આપી ચૂંટણીઓ લડાવી છે પરંતુ હવે તેઓ કોઈ પ્રલોભનો જોઈને ભાજપામાં જોડાઈ રહ્યા હોય તેમ લાગે છે – ઋત્વિજ જોષી, શહેર પ્રમુખ, કોંગ્રેસ

Most Popular

To Top