નવસારી: (Navsari) નવસારીમાં ચડ્ડી-બનિયાન ગેંગના (Gang) ચોરીના (Theft) નિષ્ફળ પ્રયાસ બાદ વધુ એક ગેંગ સક્રિય થઇ છે. જેઓએ જલાલપોરના એરૂ ગામની અવધ સોસાયટીના 4-5 બંગલોમાંથી (Banglow) લાખો રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતે પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી (CCTV) કેમેરાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
- નવસારીમાં ચડ્ડી-બનિયાન ગેંગ બાદ વધુ એક ગેંગ સક્રિય થઇ
- જલાલપોરના એરૂ ગામે અવધ સોસાયટીના 4-5 બંગલાઓમાંથી લાખો રૂપિયાની મત્તા ચોરાઈ, ચોર સીસીટીવીમાં કેદ
મળતી માહિતી મુજબ, નવસારી જીલ્લામાં વિવિધ ગેંગના ચોરટાઓ રાત્રી દરમિયાન આતંક મચાવી રહ્યા છે. જીલ્લામાં એક પછી એક ચોરીની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને નવસારી શહેરમાં ચોરીઓ થઇ રહી છે. જયારે થોડા દિવસો અગાઉ જમાલપોર વિસ્તારમાં ચડ્ડી-બનિયાન ગેંગ ચોરીની ફિરાકમાં સોસાયટીઓમાં ફરી રહી હતી. પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેમજ ચીકલીગર ગેંગના 4 આરોપી પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે ચોરટાઓની વધુ એક ગેંગ સક્રિય થઇ છે. જલાલપોર તાલુકાના એરૂ ગામે અવધ સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા ચોરો ગયા હતા. જ્યાં તેઓએ 4-5 બંગલાઓમાં ઘુસ્યા હતા. ગત મોડી રાત્રે 2 થી 3 વાગ્યાના સમય દરમિયાન ચોરોએ બંગલાઓમાં ઘુસી આશરે 15 થી 16 તોલાના દાગીના અને રોકડા 3 થી 3.5 લાખની ચોરી કરી ફરાર થયા હતા.
બીજા દિવસે બંગલાઓના તાળા તૂટેલા જોતા ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી સોસાયટીના પ્રમુખ સહિતના સ્થાનિકોએ સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં 3 ચોરટાઓ મોઢા ઉપર રૂમાલ બાંધી બંગલાની બહાર તેમજ અંદર કિમતી ચીજવસ્તુઓ શોધી રહ્યા હોવાનું જણાયું હતું. આ બાબતે સ્થાનિકોએ જલાલપોર પોલીસ મથકે અને નવસારી એલ.સી.બી. પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ બંગલાઓમાં ફરી ચકાસણી કરી હતી. તેમજ સીસીટીવી ફૂટેજો મેળવ્યા હતા. ત્યારે પોલીસે આ ઘટના અંગે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.