નવસારી: (Navsari) બિપરજોય વાવાઝોડાની (Cyclone) અસર નવસારી જિલ્લામાં જોવા મળી છે. મોડી રાત્રે નવસારીમાં વરસાદ (Rain) પડ્યો હતો અને દરિયામાં 15 ફૂટ સુધીના મોજા ઉછળતા દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો હતો. જોકે હાલમાં દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
- ‘બિપરજોય’ની અસર : નવસારીમાં વરસાદ સાથે દરિયામાં 15 ફૂટના મોજા ઉછળ્યા
- જલાલપોરના દાંતી, ઉભરાટ, દિપલા, વાંસી, બોરસી, ઓંજલ-માછીવાડ, દાંડી, કૃષ્ણપુર, સામાપોર, છાપર ગામમાં એલર્ટ
- ગણદેવીના મેંધર, માસા, ધોલાઈ, બીગરી, ભાઠા અને કલમઠા ગામમાં એલર્ટ જાહેર કરાયું
- ઉભરાટનો દરિયો ગાંડોતુર બન્યો, દરિયામાં કરંટ જોવા મળ્યો
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાને ગુજરાત ઉપર સંકટ આવી પડ્યું હતું. ગુજરાતના દરિયામાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે કરી હતી. જેથી ગુજરાતના દરિયા કાંઠાના ગામોને નુકશાન થવાની ભીતિ છે. હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લામાં પણ ૫૨ કિ.મી. નો દરિયો હોવાથી જીલ્લા તંત્ર સતર્ક થઈ ગયું છે. અને સાવચેતીના પગલા લીધા હતા. સાથે જ વર્ગ-1 અધિકારીઓની નિમણૂક કરી હતી. જોકે બિપરજોય વાવાઝોડું ફંટાઈ ગયું છે. છતાં પણ નવસારીમાં તેની અસર જોવા મળી રહી છે. જેથી સંભવિત વાવઝોડાને કારણે જીલ્લાના ૧૬ ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ વાવાઝોડાને પહોંચી વળવા માટે અગમચેતીના પગલા લેવાની માહિતી આપવામાં આવી રહી છે.
ગત મોડી રાત્રે નવસારીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે વાવાઝોડું ફંટાઈ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસર પગલે વરસાદી ઝાપટું પડ્યું તેમજ પુરઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે જલાલપોર તાલુકાના દાંતી, ઉભરાટ, દિપલા, વાંસી, બોરસી, ઓંજલ-માછીવાડ, દાંડી, કૃષ્ણપુર, સામાપોર, છાપર ગામમાં એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગણદેવી તાલુકાના મેંધર, માસા, ધોલાઈ, બીગરી, ભાઠા અને કલમઠા ગામમાં એલર્ટ જાહેર કરાયું છે.
બીજી તરફ આજે નવસારી જિલ્લાના દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં ઉભરાટ અને દાંડી દરિયો આવ્યો છે. જેમાં ઉભરાટ દરિયો આજે ગાંડોતુર બન્યો હતો. દરિયાના મોજા 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેથી દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.