નવસારી: (Navsari) નવસારી એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે સિંધી કેમ્પ રોડ પરથી હેલ્થ વોર્નિંગ વગરની 6.17 લાખની વિદેશી સિગારેટ (Cigarettes) વેચતા દુકાનદારને (Shops) ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ વિરૂદ્ધ વોચ રાખવા માટે એસ.ઓ.જી. ની (SOG) અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલી હતી
- નવસારીના સિંધી કેમ્પ રોડના આશિષ ટ્રેડર્સમાંથી 6.17 લાખની વિદેશી સિગારેટ ઝડપાઇ
- પોલીસે રેઇડ કરી ગેરકાયદેસર રાખેલી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ દુકાનદારને ઝડપી પાડ્યો
- સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ વિરૂદ્ધ વોચ રાખવા માટે એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલી હતી
મળતી માહિતી મુજબ, ઇન્ચાર્જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ નવસારી જિલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપી હતી. જેના આધારે નવસારી વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલું છે. જેથી આવા રીટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. નવસારી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલી હતી.
જે ટીમો દ્વારા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન નવસારી એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે સિંધી કેમ્પ રોડ કેનેરા બેંકની બાજુમાં આવેલી આશિષ ટ્રેડર્સ નામની દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસે ગેરકાયદેસર રીતે રાખેલી હેલ્થ વોર્નિંગ વગરની 1.44 લાખની પેરીસ સ્પેશિયલ ફિલ્ટર સિગારેટ 480 પેકેટ, 66,600 રૂપિયાની ઇઝી લાઈટસ સિગારેટના 370 પેકેટ, 48,600 રૂપિયાની ઇઝી સ્પેશિયલ ગોલ્ડ સિગારેટની 270 પેકેટ, 30,600 રૂપિયાની ઇઝી ચેન્જ સિગારેટના 170 પેકેટ, 4 હજાર રૂપિયાની ડીજેઅરુમ બ્લેક સિગારેટના 20 પેકેટ અને 3.24 લાખની ગુડંગ ગરમ ઇન્ટરનેશનલ સિગારેટના 1620 પેકેટ મળી કુલ્લે 6,17,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ પોલીસે નવસારી પરમેશ ડાયમંડની સામે છાપરા રોડ શૈલેષ પાર્ક સોસાયટીમાં રહેતા આશિષ કિશનભાઈ મનકાનીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.