નવસારી: (Navsari) ખડસુપા ઓવરબ્રિજથી (Over Bridge) નવાતળાવ ગામ જતા રસ્તા પર 2 બાઇક (Bike) સામસામે અથડાતા બંને બાઇક ચાલકોને મોત નિપજ્યાંનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
- ખડસુપા ઓવરબ્રિજ નજીક બે બાઇક સામસામે અથડાતાં બે યુવાનનાં મોત
- ટેમ્પોને ઓવરટે કરવા જતાં પાંચ યુવાનને ઇજા પહોંચી હતી
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના વેગામ ગામે મોટા ફળિયામાં રાજભાઈ મનુભાઈ હળપતિ (ઉ.વ. 19) તેમના પરિવાર સાથે રહે છે. ગત 5મીએ રાજ તેના ફળિયામાં રહેતા મિત્ર યશ સતિષભાઈ હળપતિ સાથે તેની બાઇક (નં. જીજે-21-ડિબી-3324) લઈને નવાતળાવ ગામે કામ અર્થે જઇ રહ્યા હતા. તેમજ નવસારી તાલુકાના નાગધરા ગામે મોરી ફળિયામાં રહેતો રોહન અર્જુનભાઇ પટેલ તેની બાઇક (નં. જીજે-21-બીઆર-3582) પર તેના 2 મિત્રો સાથે જઈ રહ્યો હતો. ત્યારે ખડસુપા ઓવરબ્રિજથી નવાતળાવ ગામ તરફ જતા રસ્તા પર રોહન આગળ ચાલતા ટેમ્પાને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી યશની બાઇક સાથે અકસ્માત થતા બંને બાઈક પર સવાર 5 યુવાનો રસ્તા પર પટકાયા હતા.
જેથી પાંચેય યુવાનોને ઇજા થઇ હતી. જેમાં બંને બાઈકના ચાલક રોહન અને યશને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં રોહનનું મોત નીપજ્યું હતું. જ્યારે યશને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યશનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મૃતક રોહન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
ખેરગામ ગામે ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાઇક અથડાતા બે યુવાનોના મોત
નવસારી: ગણદેવી તાલુકાના ખેરગામ ગામે બહુ ફળીયા દુવાડા થી ગણદેવી જતા રોડ ઉપર આવેલ ઇલેક્ટ્રીક થાંભલા સાથે બાઈક બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે ચાલકને ઈજાઓ થઈ હોવાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધનોરી ગામે અજય અજીતભાઈ હળપતિ (ઉ.વ. 20) તેના પરિવાર સાથે રહે છે. ગત રોજ અજય ધનોરી ગામે તળાવ ફળિયામાં રહેતા તેના મિત્ર ઉજ્જવલ બાબુભાઇ હળપતિ અને ખેરગામ ગામે રહેતા વિશ્વમ વિનોદભાઈ હળપતિ સાથે બાઇક (નં. જીજે-21-ડીએ-4408) લઈને તેમના મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે દુવાડાથી ગણદેવી જતા રોડ પર ખેરગામ ગામ પાસે વળાંકમાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાઇક અથડાઈ હતી. જેના પગલે ઉજ્જવલ અને વિશ્વમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અજયની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મૃતક ઉજ્જ્વલના પિતા બાબુભાઈએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.