Comments

રાષ્ટ્રવ્યાપી ચકકાજામના આપેલા એલાનને પગલે બંને પક્ષે વલણ વધુ અકકડ બન્યું

ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા માટે જે હળવાશ દેખાવી જોઇએ તે દેખાતી નથી. તેને બદલે દિલ્હી-ઉત્તરપ્રદેશ અને દિલ્હી-હરિયાણા સરહદોની સરકારે વિરોધ કરતાં ખેડૂતોની દિલ્હીમાં પ્રવેશબંધી માટે કરેલી કિલ્લેબંધી અને ખેડૂતોના સંઘોએ ત્રણ કલાક રાષ્ટ્રવ્યાપી ચકકાજામના આપેલા એલાનને પગલે બંને પક્ષે વલણ વધુ અકકડ બન્યું છે.

દિલ્હી પોલીસે સરહદો પર કરેલી કિલ્લેબંધી અભૂતપૂર્વ છે અને તે વિરોધીઓએ લાલ કિલ્લા પર કરેલા કબજાને કારણે થઇ છે. દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે જયારે કહ્યું કે વિરોધીઓને દિલ્હી પર  ફરી કબજો જમાવતા રોકવા માટે અનેક સ્તરીય કિલ્લેબંધી કરવામાં આવી છે ત્યારે તે સાચા હતા.

દિલ્હીના સીમાડેથી ટ્રેકટરોનાં ધણ લાલ કિલ્લાની હરિયાળી સુધી બેફામ કઇ રીતે ધસી આવે એ સમજાવવાની પણ તેમની નૈતિક ફરજ છે. પ્રજાસત્તાક દિને વિરોધીઓ દિલ્હીની સડકો પર હુમલો કઇ રીતે કરી શકયા? લાલ કિલ્લાની રાંગ પર તિરંગા સિવાય બીજો કોઇ ધ્વજ ફરકાવાય નહીં તેની ખાતરીબધ્ધ વ્યવસ્થાના પ્રયાસો કરવા સાથે આ પ્રશ્ન પણ જવાબ માંગે છે.

માત્ર ખાડા ખોદી રાખી અને અનેકસ્તરીય કાંટાળી વાડ રચી વિરોધી ખેડૂતોને ખાળી શકાય એ વાત દેશવાસીઓનાં ગળે નહીં ઉતરે. સરકાર ઉત્તર પ્રદેશ અને હરિયાણા વિરોધી ખેડૂતોના તંબુઓમાં વીજળી-પાણી બંધ કરે અને ઇન્ટરનેટ સેવાઓ કાપી નાંખે એ જાણે કિલ્લેબંધી પૂરતી ન હતી એમ સરકાર માનતી હોવાનું માને છે.

સરકાર શુભેચ્છાભર્યાં એવાં પગલાં ભરે જે વિરોધી ખેડૂતોને ઠંડા પાડે અને તેમને એવી પ્રતીતિ કરાવે કે સરકાર ગંભીર છે અને મડાગાંઠ ઉકેલવા બાંધછોડ કરવા તૈયાર છે એવી આશા કપોળકલ્પના નથી. એક તો ખેડૂતો ઠંડીમાં ઠૂંઠવાતા હતા અને સરકારે દમનનાં પગલાં ભર્યાં. એ સ્વાભાવિક રીતે મામલો વધુ કઠિન બને.

ખેડૂતો થાકી જશે અને હારીને કૃષિ કાયદાઓને યથાવત્ સ્વરૂપે સ્વીકારી લેશે અને આંદોલનનો માર્ગ છોડી દેશે એવી ધારણાએ સરકારે થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરી લાગે છે. અત્યાર સુધી આ નીતિ સદંતર નિષ્ફળ નીવડી છે અને વિરોધ દરમ્યાન ૧૭૦ થી વધુ ખેડૂતોનાં મોત થયાં છતાં સરકારની આ નીતિ ખેડૂતોના જુસ્સામાં જરા સરખું છિદ્ર પાડી શકી નથી.

તાર્કિક રીતે જુઓ તો સરકારે અને તેની સંસ્થાઓએ આખી પરિસ્થિતિનો માનવતાભર્યો તાગ લેવો જોઇતો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી આ પરિસ્થિતિનો નોંધપાત્ર તકાદો છે પણ તેનાં પણ અનેક પરિમાણ છે. શાસક પક્ષ અને લોકશાહીમાં અનિવાર્ય એવા વિરોધ પક્ષો વચ્ચે ભારોભાર રાજકારણ ખેલાઇ રહ્યું છે એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. પણ બધાંથી ચડિયાતાં માનવ પાસાંઓ પણ છે જેને સરકારે પહેલેથી જ ધ્યાનમાં રાખવાં જોઇએ.

વિરોધીઓની પરિવહન સહિતની આવશ્યક સેવાઓ બંધ કર્યા પછી અત્યારે સરકારનો હાથ ઉપર છે, પણ હવે ‘ખાપ’  પંચાયતો ખેડૂતોના ટેકામાં સક્રિય થઇ છે તેનાથી સરકારે વિચારતાં થવું જોઇએ. સરકારના અભિગમનું કેન્દ્ર એ હોવું જોઇએ કે ગમે તે રાજકીય પક્ષના પોતાના લોકો હોય,  વાટાઘાટ કરવામાં તેનું મહત્ત્વ નહીં હોવું જોઇએ, પણ સરકારી અભિગમમાંથી આ જ બાબતની સંપૂર્ણ બાદબાકી થઇ છે. આ મામલાને માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવી દેવાથી પરિસ્થિતિ વધુ ગુંચવાશે.

સંસદનું અંદાજપત્ર સત્ર ચાલુ થઇ ગયું છે. ખેડૂતોના આંદોલનની ચર્ચા કરવા સરકાર માટે ‘સુઓ મોટો’ એટલે કે પહેલ કરવાની દરખાસ્તનો સરસ અવસર  મળે તેનાથી સરકારની વિશ્વસનીયતા વધી હોત પણ અત્યાર સુધી એવું કંઇ થયું નહીં.

મડાગાંઠ લંબાવવાનું રાષ્ટ્રીય હિતમાં નથી. સરકારના કે વિરોધી દેખાવો કરતા ખેડૂતોના હિતમાં પણ નથી. ભારત દેશ જયારે અર્થતંત્રના પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યો છે અને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ જઇ રહ્યો છે ત્યારે આપણા રાષ્ટ્ર પર બીજાં રાષ્ટ્રોની નજર મંડાય તેવી પરિસ્થિતિ સર્જવાનું ઇચ્છનીય નથી. અત્યારે એ જ થશે.

સરકારે આ દિશામાં પ્રશંસનીય પગલાં લીધાં જ છે અને તેનો નિર્દેશ ૨૦૨૧-૨૨ ના અંદાજપત્રમાં આપી દીધો છે. ખેડૂતોએ રાજધાનીના સીમાડે વિરોધ નહીં કર્યો હોત તો અંદાજપત્રના ઇરાદાઓની અસર અનેકગણી પડી હોત.

સરકારે પોતે જે બોલે છે તે પાળી બતાવવું જોઇએ. તેણે ખેડૂતો સાથે નવી મંત્રણાની શુભેચ્છાની ચેષ્ટાઓ કરવી જોઇએ. શરૂઆત વીજળી, પાણી અને ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરીને કરવી જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને વિરોધનાં સ્થળોની મુલાકાત લેવા મોકલે તો તેમાં કંઇ નુકસાન નથી. વિરોધ કરતા જે ખેડૂતોનાં મૃત્યુ થયાં તેના પ્રત્યે વડા પ્રધાન મોદીએ ટવીટ દ્વારા દિલસોજીનો સંદેશ પાઠવ્યો હોત તો તેની નાટકીય માનસિક અસર ખેડૂતો પર થઇ હોત પણ એવું કંઇ થયું નથી. પરિણામે વાતાવરણ ડહોળાયું છે અને પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

ત્રણે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને દોઢ વર્ષ સંપૂર્ણ સ્થગિત કરી દેવાની સરકારની અગાઉની દરખાસ્તને સાધારણ પણ આવકાર મળ્યો હતો. સરકારના મંત્રણાકારોએ ખેડૂતોને આવી હિલચાલ પાછળના સારા ઇરાદાઓ ખેડૂતોને બતાવવાની કોશિષ કરવી જોઇતી હતી, જેનાથી ભવિષ્યની મંત્રણાનો મજબૂત પાયો રચાય. સદરહુ કાયદા ચોકકસ સમયગાળા સુધી મુલત્વી રાખવાની બાબતમાં શુભેચ્છાભર્યું વલણ સમજવાને બદલે સરકારે એક પછી એક કલમોનું પિષ્ટપેષણ કર્યું તેને પરિણામે પરિસ્થિતિ વણસી છે.

          – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top