નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway 48) ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે પીછો કરી ધોળાપીપળા પાસેના સર્વિસ રોડ પરથી 2.48 લાખના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાલક ટેમ્પો (Tempo) મૂકી ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નં. 48 ઉપર નાકાબંધીમાં હતા. દરમિયાન એક ટેમ્પો (નં. એમએચ-48-સીબી-3589) આવતા પોલીસે બેટરીના અજવાળા અને લાકડીના ઈશારા વડે ટેમ્પો ઉભો રાખવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પા ચાલકે ટેમ્પો ભગાવી દેતા પોલીસે ટેમ્પાનો પીછો કર્યો હતો. જેથી ટેમ્પા ચાલકે ધોળાપીપળા આગળ સર્વિસ રોડ પર ટેમ્પો ઉભો રાખી અંધારામાં શેરડી અને આંબાના ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે ટેમ્પામાં ચકાસણી કરતા તેમાંથી 2,48,400 રૂપિયાની વિદેશી દારૂની 1728 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂ સહીત 5 લાખનો ટેમ્પો મળી કુલ્લે 7,48,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
નવસારીના ઘેલખડીમાં તીનપત્તીનો જુગાર રમતા 4 ઝડપાયા
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે ઘેલખડીમાં તીનપત્તીનો જુગાર રમતા 4ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી ઘેલખડી માતા ફળિયાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ છાપો મારતા તીનપત્તીનો જુગાર રમતા ૪ને ઝડપી પાડ્યા હતા. જેમાં ચેતનભાઈ મોરારભાઈ નાયકા, હર્ષ રવિન્દ્રભાઈ માંડે, લક્ષ્મણભાઈ ભીમાભાઇ નાયકા અને અજેશભાઈ સત્યનારાયણ શુક્લાને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે આરોપીઓના અંગઝડતીમાંથી રોકડા 9,030 રૂપિયા, દાવ પરના રોકડા 2 હજાર રૂપિયા અને 10,500 રૂપિયાના 3 મોબાઈલ મળી કુલ્લે 21,530 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.