Charchapatra

વિવિધ ભારતીની રાષ્ટ્રીય અને સ્થાનીય સેવાઓ અને હિન્દી,અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં સમાચાર પ્રસારણ

હાલ આકાશવાણીએ વિવિધ ભારતીનાં રાષ્ટ્રીય અને સ્થાનિક પ્રસારણમાં પણ ગુજરાતી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સમાચારો પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે, જેમાં સુરતની વાત કરી તો કેટલાક અગત્યના કાર્યક્રમોને અટકાવીને ગુજરાતી સમાચારો થોડો વખત આવ્યા તેનો સમય તેનું સ્થાનીય કક્ષાએ રેકોર્ડિંગ કરી અન્ય સમયે તે સમયના સામાન્ય કાર્યક્રમોને અટકાવી પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે જે પ્રશંસનીય બાબત છે. પણ હજુ બપોરના ૧.૨૦ વાગ્યાના તથા રાત્રીના ૭.૧૦ તથા ૭.૫૦ ના ગુજરાતી સમાચારના સમય સ્થાનીય કક્ષાએ બદલવાની જરૂર છે, જે વિવિધ ભારતીના વિશેષ પ્રકારના કાર્યક્રમોને અવરોધે છે.

આ બાબતે ઘણા શ્રોતાઓએ ચર્ચાપત્રો લખ્યાં હશે, જેમાંનાં થોડાકને સ્થાન મળ્યું છે. જેનો સામાન્ય સૂર અગત્યના કાર્યક્રમમાં વિક્ષેપ વિષે રહ્યો છે. એમાં એક વિરોધ બપોરના ૨ થી ૨.૩૦ ના સમયના કેન્દ્રીય વિવિધ ભારતી સેવા દ્વારા જ સહપ્રસારિત કરાતા સમાચારોને કારણે રવિવારના બંધ થયેલા બાઈસ્કોપ કી બાતેં બાબતે થયો. તો એ બાબતે માહિતી આપવાની કે કાર્યક્રમના નિર્માતા અને પ્રસ્તુતકર્તા સ્વ. લોકેન્દ્ર શર્માની સેવા નિવૃત્તિ બાદ તેમાં આ કાર્યક્રમ સંદર્ભે નવી નવી ફિલ્મોનો સમાવેશ સંપૂર્ણપણે બંધ કરી તે કાર્યક્રમના નવા હપ્તાઓનું નિર્માણ અને પ્રસારણ બંધ થઈ ગયું હતું અને તેમની સેવા ચાલુ હતી તે વખતે ફક્ત એક હપ્તો શ્રી અમરકાંતે કર્યો હતો. એટલે આ કાર્યક્રમ ફરી શરૂ થયો.

તેના બધા જ હપ્તા પુન: પ્રસારિત હતા અને કાર્યક્રમ માટેના રીસર્ચ અને આલેખ વિવિધ ભારતીની સેવા બહારનાં લોકોનાં રહેતા હતા, જેમાં ક્યારેક નાની નાની ભૂલો પણ આવતી હતી. જેવી કે ૧૯૬૮ ની ફિલ્મ બ્રહ્મચારીની બાળ કલાકારમાં બેબી ફરીદા હતી, જેને બદલે ફરીદા જલાલ કહેવાયું હતું, જે દરેક પ્રસારણમાં રેકોર્ડેડ હોવાને કારણે રીપિટ થતું રહ્યું હતું. ફરીદા જલાલ તો ૧૯૭૦ માં એટલે બે વર્ષ બાદ જ આરાધનામાં પુખ્ત વયની ભૂમિકામાં આવ્યા હતા. અહીં કાર્યક્રમના પુન: પ્રસારણનો સંપૂર્ણ વિરોધ નથી.

પણ કોઈ પણ હપ્તાના, તે દિવસનાં જ અન્ય શ્રોતા સમૂહ માટેના અન્ય અનુકૂળ સમયના પુન: પ્રસારણને બાદ કરતાં જો યોગ્ય લાંબો સમયગાળો બે પ્રસારણ વચ્ચે નહીં રાખવામાં આવે તો જલદી જલ્દી થતું પુન: પ્રસારણ સારા કાર્યક્રમનો ચાર્મ ગુમાવવા માટે કારણરૂપ થાય છે અને ઇન્ટરનેટ પર ઘણા લોકો આવા કાર્યક્રમો એક આર્કાઇવના હેતુથી મૂકે છે. છતાંય વિવિધ ભારતી એક યોગ્ય સમયકાળ બાદ આ શ્રેણી ફરી પ્રસારિત કરશે જ, એવું શ્રોતા તરીકેના હાલ સુધીના અનુભવને આધારે જરૂર કહી શકાય તથા બુધવારથી રવિવાર સાંજે ચાર વાગ્યે આવતા પ્રાયોજિત કાર્યક્રમને પણ સાંજે પાંચ વાગ્યે ખસેડવાની જરૂર છે, તે માટે પ્રાયોજકને રજૂઆત કરવા આકાશવાણી સુરતનાં સત્તાધીશોને નમ્ર સૂચન છે.
નાનપુરા, સુરત      – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top