Gujarat

નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડાતાં 23 ગામોને એલર્ટ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

ભરૂચ: (Bharuch) નર્મદા ડેમમાંથી (Narmada Dam) 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મધ્યરાત્રી બાદ અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં ગોલ્ડન બ્રિજ (Bridge) નજીક નર્મદા તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવીને 31 ફૂટે વહી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 23 ગામોને વહીવટીતંત્રએ એલર્ટ કર્યા છે. બીજી તરફ નર્મદા નદીના પાણી હાઈવે સુધી પહોંચી જતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. ઝગડિયામાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

મળતી માહીતી મુજબ નર્મદા નદીની સપાટીમાં હજી પણ વધારો થવાની સંભાવના છે. સાંજે 4 વાગ્યાના આંકડાઓ પ્રમાણે પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. 2 કલાકમાં 90,920 ક્યુસેકનો ઘટાડો થયો છે. હાલ 23 દરવાજા 7.90 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18,38,841 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી પાણીની સપાટી 138.63 મીટર છે જ્યારે ડેમમાં હજી પણ પાણીની આવક 17,65,861 ક્યૂસેક છે. સપાટી વધવાની સંભાવનાને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે.

અંકલેશ્વરમાં નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા
ભરૂચ જિલ્લામાં પૂરના સંકટ વચ્ચે અંકલેશ્વર તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. હાલ સરદાર સરોવરમાંથી 19 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લાના નદી કાંઠા વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, ખાલપિયા, ધંતૂરિયા, કોયલી બેટ, બોરભાઠા બેટ, જૂના બોરભાઠા ગામ સહિતના વિસ્તારોમાંથી વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભરૂચમાં નર્મદા નદીમાં ભયાનક પૂરની પરિસ્થિતિ વચ્ચે આગામી કલાકોમાં પણ નર્મદા નદીમાં પાણી વધવાના સંકેત છે ત્યારે અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા લોકોને સમજાવી સ્થળાંતર માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા નર્મદા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભરૂચ જિલ્લાના બે માર્ગો બંધ કર્યાં
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નદીમાં પાણી વધતાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલાં રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે. આથી ભરૂચ જિલ્લામાં ભરૂચનો શુકલતીર્થ-ઝનોર રોડ તેમજ ઝગડીયા તાલુકાના ઉમ્મલાથી પાણેથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતાં સાવચેતી અને સલામતી હેતુ આ માર્ગ પણ બંધ કરાયો છે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

વધુમાં તંત્ર એ અપીલ કરી હતી કે આ રોડ પર આવેલાં ગામનાં લોકોએ શક્ય હોઈ તો ત્યાં સુઘી આ રોડ પરથી અવરજવર ટાળવી જોઈએ. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

Most Popular

To Top