ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) નર્મદામાં (Narmada River) પાણી છોડાયા બાદ ભરૂચ-અંકલેશ્વર અને વડોદરાના અનેક વિસ્તારોમાં તબાહી (Flood) સર્જી છે. નર્મદા નદીના પાણી ઘરોમાં ઘુસતાં લોકોનો ઘરવખરીનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. જેના કારણે બાળકોને બે ટંકના જમણના પણ ફાંફાં છે. બાળકો ખાવા માટે મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે.
- શિક્ષણથી પાંખો આવી પણ કુદરતી તબાહીએ કાંપી લીધી!
- જુના બોરભાઠા ગામે પાઠ્યપુસ્તકો અને ઘરવખરી પુરમાં તહેસનહેસ થતાં દીકરી લક્ષ્મીનું મન વિચલિત થયું
‘અમારા ચોપડા પલળી ગયા, અમારૂ પાણીમાં બધું તણાઈ ગયું અને ખાવાના પણ ફાંફાં છે ત્યારે ભણવા (Education) કરતાં મજૂરી કરીને પેટનો ખાડો પુરી લઈશું’ આ દર્દનાક શબ્દો જુના બોરભાઠા ગામની ધો.10માં ભણતી 16 વર્ષીય માસુમ દીકરી લક્ષ્મીના છે. જેણે શિક્ષણ પણ પ્રશ્નાર્થ મુક્યો છે.
પાંચ દાયકા બાદ સૌથી મોટી નર્મદા નદીમાં તબાહી મચાવતા પુરએ અંકલેશ્વર પટ્ટા પર જનજીવન તહસનહસ કરી મૂક્યું છે. વેરેલા વિનાશની તસ્વીરો જોતા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પુરના પ્રકોપે કેટલાયે પરીવાર બેઘર થયા અને કેટલાય પરિવારોને જાનમાલને નુકશાનીનું બંજર જોવા મળ્યું હતું. પુરના પાણી 6 દિવસે અંકલેશ્વરના જુના બોરભાઠા ગામમાં ઓસર્યા બાદ મકાનો, શાળા અને દુકાનોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય નજર સમક્ષ હોય છે.
આજે ગામની ગરીબ અને 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી શિક્ષણ થકી ઉડવાના સમયે કુદરતે જ તેણીની પાંખો કાપી નાખી એવો બનાવ બન્યો છે. 16 વર્ષની દીકરી લક્ષ્મીએ જિંદગી કેવી હોય એવી વેદના સાથે જણાવ્યું હતું કે, ‘આ પુરના પાણીમાં ઘરવખરી અને પાઠ્યપુસ્તકો પણ પલળીને નકામાં થઇ ગયા. હવે ભણવાનું મન વિચલિત થઈ ગયું અને અભ્યાસની જગ્યાએ ગરીબાઈમાં મજૂરી કરીને અમારો ખાડો પુરીશુ. એવો ઉદ્દગાર સાંભળવા મળ્યો હતો.
ભલે લક્ષ્મીનું મન શિક્ષણ પ્રત્યે સ્થિતિ જોતાં લગાવ ઓછો થયો હોય પણ સરકાર કે સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને છત અને શિક્ષણનો સહારો આપે તો ચોક્કસ લક્ષ્મી ગગનમાં ઉડવા માંડે એવું લાગે છે.