SURAT

સુરતમાં BRTSના ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા અધિકારીઓ દોડતા થયા

સુરત: સુરત (Surat) મનપા (SMC) દ્વારા સંચાલિત બીઆરટીએસની (BRTS) સેવા આજે શનિવારે થોડો સમય માટે ખોટકાઈ હતી. પગારના મામલે બીઆરટીએસના ડ્રાઈવરો હડતાળ (Drivers Strike) પર ઉતર્યા હતા. જોકે પગાર આપવા સંબંધે બાંયધરી મળ્યા બાદ તેઓ ફરી કામે ચઢ્યા હતા, જેના પગલે બીઆરટીએસની સેવા ફરી શરૂ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપા દ્વારા પાંચ અલગ અલગ એજન્સીઓને બીઆરટીએસ બસની સર્વિસનો હવાલો સોંપ્યો છે. આ એજન્સીઓ દ્વારા ડ્રાઈવર-કન્ડક્ટરને પગાર પર રાખી બસ દોડાવવામાં આવે છે. કોઈ કારણોસર પાછલા ચાર મહિનાથી ડ્રાઈવર અને કન્ડક્ટરોને પગાર મળ્યો નહોતો. આ અંગે ડ્રાઈવરો દ્વારા અનેકોવાર રજૂઆત કરવા છતાં તેઓની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નહોતો, તેના પગલે ડ્રાઈવરોએ આજે સવારે ભેગા થઈ હડતાળ પર ઉતરી જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ડ્રાઈવર એક ઠેકાણે ભેગા થઈ ગયા હતા અને હડતાળ પર ઉતરી પડ્યા હતા, જેના લીધે એજન્સીના સંચાલકો અને મનપાનો વહીવટી વિભાગ તરત દોડતો થઈ ગયો હતો. ડ્રાઈવરોને સમજાવવા પ્રયાસ શરૂ કરાયા હતા. હડતાળના પગલે સવારે 6 વાગ્યે જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ડ્રાઈવરોને પગાર મળી જશે એવી બાંયધરી આપવામાં આવી હતી. આખરે ડ્રાઈવરો ફરી કામ શરૂ કરવા માની ગયા હતા અને શહેરના રસ્તાઓ પર બીઆરટીએસ સર્વિસ શરૂ થઈ હતી અને બસો દોડતી થઈ હતી.

સુરત મનપાના વહીવટી અધિકારી એમ.એસ. પટેલે કહ્યું, વહેલી સવારે 6 વાગ્યે પગારના મામલે ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ તેઓને સમજાવી લેવાયા છે. શહેરીજનોને તકલીફ નહીં પડે તે માટે બીઆરટીએસની સેવા નિયમિત શરૂ કરી દેવાઈ છે.

Most Popular

To Top