મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં આવેલા બૈગુર ગામ પાસે નર્મદા પરિક્રમા માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થયું જ્યારે અન્ય 55 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોમાંથી 15 લોકોને બરવાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાકીનાને ખેતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ બસ ઇન્દોર અને ધાર જિલ્લાના કુલ 56 યાત્રાળુઓને લઈને પરિક્રમા માટે નીકળી હતી. આ અકસ્માત આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.
બરવાનીના પોલીસ અધિક્ષક જગદીશ દાવરે માહિતી આપી કે બસ લપસી ગઈ અને ડિવાઇડર સાથે અથડાયા પછી અટકી ગઈ હતી. તેમણે વઘુમાં જણાવ્યું કે “ઘટનાસ્થળની નજીક એક ઊંડી ખાડી હતી અને જો બસ તેમાં પડી ગઈ હોત તો અકસ્માત વધુ ભયાનક હોત.”
અકસ્માત બાદ સ્થાનિક લોકો, સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) અને પોલીસ દળોએ મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બેથી ત્રણ કલાકની મહેનત પછી વાહનમાં ફસાયેલા બે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બસ ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ પાનસેમલના ભાજપના ધારાસભ્ય શ્યામ બારડે ઘટનાસ્થળે પહોંચી ગયા અને મુખ્યમંત્રી મોહન યાદવને આ દુઃખદ ઘટના અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે સ્થાનિક સરપંચો અને ભાજપના કાર્યકરોએ બચાવ અને રાહત કામગીરીમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલ યાત્રાળુઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપી છે.
નર્મદા પરિક્રમા યાત્રા હિંદુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરીને ભગવાન નર્મદાને નમન કરે છે.
આ દુર્ઘટનાએ યાત્રાળુઓમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે. જ્યારે સ્થાનિક લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે.