ઉમરગામ : ‘મારા નારગોલ (Nargol) ગામને સ્વચ્છ મેં બનાવ્યું છે’ નું સૂત્ર જાહેર કરી નારગોલ ગ્રામ પંચાયતે (Gram Panchayat) જાહેરમાં કચરો (Garbage) નાખનારાઓ સામે લાલ આંખ કરી છે અને જાહેરમાં કચરો ફેંકનારાઓનો કચરો તેમના ઘરના વાડામાં ફરી નાખવામાં આવ્યો હતો.સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ગ્રામ પંચાયત નારગોલ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખી ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગામના રહીશ હોય કે પછી ગામમાં આવતા પર્યટકો જેવો નિષ્કાળજીપૂર્વક જાહેરમાં ગંદકી કરી જાહેર આરોગ્ય માટે જોખમ રૂપ બનતા હોય છે. તાવા વ્યક્તિઓ સામે ગ્રામ પંચાયત સરપંચ સ્વીટીબેન ભંડારીએ અને તેમની ટીમે કડક કાર્યવાહી શરૂ કરી છે.
- ‘મારા નારગોલ ગામને સ્વચ્છ મેં બનાવ્યું છે’
- નું સૂત્ર જાહેર કરી ગ્રામ પંચાયતની જાહેરમાં કચરો
- હવથી ગામમાં કચરો નાખનારાઓ સામે લાલ આંખ
પાઠ ભણાવવાની કામગીરી ગ્રામ પંચાયત નારગોલે શરૂ કરી
જેના ભાગરૂપે નારગોલ રિસોર્ટ નામ સોસાયટીના કેટલાક રહીશો દ્વારા નારગોલ બાયપાસ રોડ ઉપર કચરો ફેંકેલો જણાતા એ તમામ કચરો સોસાયટીના બંગલાના કમ્પાઉન્ડમાં ફરી પંચાયતના સફાઈ કામદારોના માધ્યમથી નાખી દેવામાં આવ્યો હતો. જે રીતે જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનારાઓ જાહેર સ્થળ બગાડે છે તેમના જ કમ્પાઉન્ડમાં ફરી કચરો નાખી તેમને પાઠ ભણાવવાની કામગીરી ગ્રામ પંચાયત નારગોલે શરૂ કરતાં જાહેરમાં કચરો નાખનારા તેમજ ઉકરડો કરનારા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ‘મારા નારગોલ ગામને સ્વચ્છ મેં બનાવ્યું છે’નું સૂત્ર જાહેર કરી ગામનો એક એક નાગરિક આ શબ્દ પોતાના મુખેથી બોલી નારગોલ ગામને સંપૂર્ણ સ્વચ્છ સુંદર બનાવવામાં સહકારી બને તેવી પહેલ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા શરૂ કરી છે. જેમાં પૂરતો સહકાર આપવા માટે ગ્રામ પંચાયત નાગોલના સરપંચ સ્વીટીબેન ભંડારીએ જાહેર અપીલ કરી હતી.