Madhya Gujarat

મહેમદાવાદ આપઘાત કેસમાં નણંદના જામીન નામંજુર થયા

નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ સોસાયટીમાં રહેતા અને કંન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં આકાશ હિંગુ સાથે દોઢેક વર્ષ પહેલાં ઉમરેઠના ભાટવાડાના જલ્પાબેનના લગ્ન થયા હતા. જલ્પાબેન શિક્ષિત હોવાથી તેમણે નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં સાસરીયાઓએ તેમને નોકરી કરવાની ના પાડી દીધી હતી. જોકે, જલ્પાબેને પતિ આકાશને વાત કરતાં તેઓએ મનેકમને જલ્પાબેનને મંજુરી આપી હતી અને નોકરીના ઇન્ટરવ્યુ માટે આકાશ જલ્પાબેનને લઇને નડિયાદ પણ આવ્યો હતો.

જોકે, રસ્તામાં પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી. સાસરીયાના ત્રાસ અને પતિ સાથેની તકરાર તેમજ તેના અતડાં વર્તનને કારણે મનમાં લાગી આવતાં જલ્પાબેને રાત્રિના સમયે બેડરૂમમાં ગળે ફાંસો ખાઇને જીંદગીનો અંત આણ્યો હતો. આ મામલે પુત્રીને આપઘાત કરવા મજબુર કરનાર તેના પતિ આકાશ હિંગુ, સસરા કિરણભાઇ, સાસુ છાયાબેન હિંગુ અને નણંદ હિરલ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી. આ કેસમાં જલ્પાબેનની નણંદ હિરલે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે બાબતે કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને પરિવાર સાથે મળીને ભાભીને મૃત્યુ વ્હાલું કરવા માટે મજબુર કરનાર હિરલની જામીન અરજી નામંજુર કરી હતી.

Most Popular

To Top