નડિયાદ: સાયબર ગઠિયાએ ઈલેક્ટ્રીસીટી અધિકારીની ઓળખ આપી લાઈટબિલ અપડેટ કરાવવાના બહાને નડિયાદ કોર્ટના સરકારી વકીલના મોબાઈલમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી, સરકારી વકીલના બેંક ખાતામાંથી ૭૪,૮૧૧ રૂપિયા ઉપાડી લઈ, છેતરપિંડી આચરી હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યાં ગઠિયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ સમીરપાર્ક સોસાયટીમાં રહેતાં યાસીનખાન ઈનાયતખાન ધાસુરા નડિયાદ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.
તેઓ ગત તા.૧૮-૧-૨૩ ના રોજ બપોરના સમયે નડિયાદ કોર્ટમાં ફરજ પર હાજર હતાં. તે વખતે તેમના મોબાઈલમાં કોઈ અજાણ્યાં નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. જેમાં તમારૂ છેલ્લાં મહિનાનું લાઈટબિલ અપડેટ થયેલ ન હોવાથી વીજળી પાવર બંધ કરી દેવામાં આવશે તેમ જણાવી, ઈલેક્ટ્રીસીટી અધિકારીનો મોબાઈલ નંબર આપ્યો હતો અને આ નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું હતું.
જેથી યાસીનખાને તરત જ તે નંબર ઉપર ફોન કર્યો હતો. જેમાં સામેપક્ષે વાત કરનાર અજાણ્યાં ઈસમે પોતાની ઓળખ ઈલેક્ટ્રીસીટી અધિકારી તરીકે આપી હતી અને ગયા મહિનાનું બિલ અપડેટ કરવા માટે યાસીનખાનના મોબાઈલમાં એક લિંક મોકલી હતી. યાસીનખાને તે લિંક ઓપન કરતાં ક્વિક સપોર્ટ ટીમ વ્યુવર નામની એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ હતી. જે બાદ ગણતરીની મિનીટોમાં જ યાસીનખાનના બેંક ખાતામાંથી જુદા-જુદા ત્રણ ટ્રાન્જેક્શન થકી કુલ રૂ.૭૪,૮૧૧ ઉપડી ગયાં હતાં.
આમ, અજાણ્યાં ગઠિયાએ ઈલેક્ટ્રીસીટી અધિકારીની ઓળખ આપી લાઈટબિલ અપડેટ કરાવવાના બહાને સરકારી વકીલ યાસીનખાનના મોબાઈલમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી, તેમના મોબાઈલનો સમગ્ર કંટ્રોલ પોતાની પાસે મેળવી લઈ, તેમના બેંક ખાતામાંથી રૂ.૭૪,૮૧૧ ઉપાડી, છેતરપિંડી આચરી હોવા અંગેની ફરીયાદ નડિયાદ ટાઉન પોલીસમથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે અજાણ્યાં ગઠિયા વિરૂધ્ધ આઈ.પી.સી કલમ ૪૧૭, ૪૨૦ તેમજ ધી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ ૬૬-સી, ૬૬-ડી મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.