બનાસકાંઠા: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની (South Gujarat) સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ત્યારે ભારે વરસાદના કારણે થરાદ (Tharad), ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ ધોધમાર વરસાદના પગલે આખું વર્ષ પાણી માટે વલખા મારતો રણકાંઠો પણ સમુદ્રમાં (Sea) ફેરવાતા ખેડૂતો તેમજ સ્થાનિકો લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ધોધમાર વરસાદ વચ્ચે BSFના જવાનો રણ વિસ્તારની બોર્ડર પર ડ્યૂટી કરી રહ્યાં છે.
- બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયું
- ધોધમાર વરસાદના કારણે રણકાંઠો દરિયામાં ફેરવાયો
- રમણીય દ્રશ્યો જોવા અનેક પ્રવાસીઓએ અહીં આવી નાહવાની મજા લીધી
- ધોધમાર વરસાદ વચ્ચે BSFના જવાનો માતૃભૂમિનું રક્ષણ કરી રહ્યાં છે
ભારે વરસાદના કારણે બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો નડાબેટ વિસ્તારના રણના હાલ દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સુઇગામમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નડાબેટ રણ વિસ્તારમાં પાણી ભરાયા ગયા હતા. અને રમણીય દ્રશ્યો સર્જાયા હતા. રણ વિસ્તાર દરિયામાં ફેરવાય જતાં અનેક પ્રવાસીઓએ અહીં આવી નાહવાની મજા લીધી હતી. અફાટ રણ દરિયો બનતા ઠંડા પવન ફૂંકાતા નડાબેટ રણમાં રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠમાં ધોધમાર વરસાદના પગલે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે છેલ્લા 24 કલાકમાં થરાદમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ લાખણીમાં ચાર ઇંચ, વડગામ અને સુઈગામમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ પાલનપુરમાં 4 કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર-અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થયો ગયો હતો. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદના પગલે હવામાન વિભાગે બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેક કર્યું છે. જ્યારે રાજકોટ, દ્વારકા, પોરબંદર, તાપી, આણંદ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.