વડોદરા: શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરિણિતા સોસાયટીમાં દીકરી સાથે ગરબા રમીને આવ્યા બાદ સુઈ ગઈ હતી. જોકે મોડી રાત્રે પતિએ પત્ની અને પુત્રીને જગાડતા કોઈ હલનચલન જોવા ન મળતા સારવાર અર્થે પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા હાજર તબીબોએ માતાપુત્રીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સમા પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તબ્બકે રહસ્મય સંજોગોમાં માતાપુત્રીનું અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે માતાપુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે માતાના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં તેજસ અમરસીંગભાઈ પટેલ 35 વર્ષીય પત્ની અને 6 વર્ષીય એક દીકરી સાથે રહે છે. જોકે તેજસભાઈ મૂળ ગોધરાના હોવાથી અને વડોદરામાં નોકરી કરતા હોવાથી પરિવાર સાથે જ તેઓ હાલ સાસરીમાં રહે છે. તેજસભાઈ ગેંડા સર્કલ પાસે આવેલ ખાનગી ઇલેક્ટ્રિક વસ્તુઓના વેચાણના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. નિત્યકર્મ પ્રમાણે તેજસભાઈ નોકરી ઉપર જતા અને રાત્રે નોકરી ઉપરથી આવ્યા બાદ દંપતી અને પુત્રી જમી પરવારી સુઈ જતા હતા.
જોકે હાલ નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી રોજ રાત્રે તેજસભાઈના પત્ની શોભનાબેન અને દીકરી કાવ્યા સોસાયટીમાં નીચે ગરબા રમવા માટે જતા હતા. ગરબા રમયાબાદ માતા પુત્રી થોડો સમય જગ્યાબાદ સુઈ જતા હતા. ત્યારે રવિવારની રાત્રે શોભનાબેન અને દીકરી કાવ્યા ગરબા રમવા માટે સોસાયટીમાં ગઈ હતી. જયારે તેજસભાઈ નોકરી ઉપરથી આવ્યા હોવાથી તેઓ ઉપર ઘરમાં જ હતા. સોસાયટીમાં 12.00 વાગ્યે ગરબા પૂર્ણ થતા માતા અને પુત્રી પરત ઘરે ફરી હતી.
ત્યારે સહ પરિવાર સુઈ ગયા હતા. દરમિયાન રાત્રે 2.30 વાગ્યે તેજસભાઈ બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા અને બાથરૂમ કરી પરત ફર્યા હતા. ત્યારે દીકરી કાવ્યા આડી સુતેલી જોવા મળી હતી. જેથી તેજસભાઈ તેને સીધી કરી સુવડાવી હતી. જોકે ત્યારે કાવ્યા તરફથી કોઈ હલનચલન જોવા મળી ન હતી. જેથી તેજસભાઈએ બાજુમાં સુતેલી પત્ની શોભનાબેનને ઉઠાડી હતી. પરંતુ તેના તરફથી પણ કોઈ પ્રતિભાવ જોવા મળ્યો ન હતો. જેથી એક તબ્બકે તેજસભાઈ ગભરાઈ ગયા હતા. ત્યારે તેમણે નીચેના મકાનમાં જ રહેતા પત્નીના ભાઈ તેમજ સાસુ સસરાને જગાડ્યા હતા અને ઘટના વિષે જાણ કરી હતી.
ઘટના વિષે જાણ થતા જ પરિવારના સભ્યોએ માતા પુત્રીને સારવાર અર્થે પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ માતાપુત્રીને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બનાવ અંગે સમા પોલીસને જાણ કરાતા પોલીસે પ્રાથમિક તબ્બકે રહસ્મય સંજોગોમાં માતાપુત્રીનું અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મોતનું કારણ જાણવા મૃતદેહોના કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ પીએમના પ્રાઈમરી રીપોર્ટની તજવીજ હાથ ધરી સગાસબંધીઓની પુછપરછ હાથ ધરી છે.
રાત્રે 12થી લઇને 2.30 વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું, શું બાળકીને કોઇ પ્રવાહી પીવડાવાયુંં ?
માતાના ગળાના ભાગે ઇજાના નિશાન છે અને છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો. પણ બંનેના મોત થયા હતા. આમ રાત્રે 12થી લઇને 2.30 વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું હોવાની પોલીસને આશંકા છે. જેને પગલે પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાનો ભાઇ શૈલેન્દ્ર બારીયા સ્થળ પર પહોંચી ગયો હતો.
બહેનના ગળા ઉપર નિશાનથી હત્યા થઇ હોય શકે
બહેન અને ભાણી ગરબા રમવા ગયા હતા. ગરબા રમી આવ્યા બાદ ભાણીએ મને ગુડ નાઈટ કહ્યું હતું. ગરબા રમીને આવ્યાબાદ મારી બહેન ઉપર જ પોતાના મકાનમાં હતી. ત્યારબાદ 12 થી 2 વાગ્યાના સમયગાળામાં આ ઘટના થઇ છે. બહેનના ગળા ઉપર જે નિશાન હતા. તે જોતા હત્યા થઇ હોય શકે છે. – શૈલેન્દ્રસિંહ બારીયા મૃતકનો ભાઈ
એસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમજ માતાપુત્રીના સગાસબંધીઓની પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સમા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ કરતા મહિલામાં ઝેરી દવાનું પ્રમાણ મળી આવ્યું હતું તેમજ તેના ગળામાં નખના નિશાનથી ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે મહિલાના પતિ તેજસની સતત પુછપરછ કરી રહી છે જેમાં તે કશુ જાણતો નથી અને માતાપુત્રી રાત્રે મોબાઇલમાં કઇક કરી રહ્યા હતા. હું મોડી રાત્રે હુ ઉઠ્યો ત્યારે કોઇ પ્રતિક્રિયા ન હતી. તેવી રટણ રટી રહ્યો છે.