Gujarat

મારો સંઘર્ષ ગુજરાતના હિત માટે છે, મને પદ કે હોદ્દાની લાલચ નથી : હાર્દિક પટેલ

આગામી 2022માં ગુજરાતમાં 182 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હવે કોંગ્રેસમાં દિલ્હીથી શરૂ કરીને ગુજરાતમાં પણ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતના કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તથા વિપક્ષના નેતા પદ મટે નવા ચહેરાની શોધ ચાલી રહી છે. જો કે યુવા ચહેરાઓને જવાબદારી સોંપાય તેવી સંભાવના વચ્ચે હવે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ પદની રેસમાં જાણે કે હટી ગયા છે.

આજે હાર્દિક પટેલે કહ્યું હતું કે મારો સંઘર્ષ માત્ર જનહિત અને ગુજરાતની જીત માટે છે, પદ કે હોદ્દા માટેની મને જરાય લાલચ નથી. હું હમણા માત્ર 28 વર્ષનો છું. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવીને આટલી નાની ઉંમરે ગણું આપ્યું છે. નાની ઉમરમાં મારી સામે ઘણાં કેસ થયા છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો તે પહેલા પણ હું આંદોલન દ્વારા લોકો માટે લડતો હતો અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે લડી રહ્યો છું.

પટેલે કહ્યું હતું કે હું મીડિયામાં ચાલી રહેલી અટકળોનું ખંડન કરૂ છું. જો કોઈ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને, પછી તે કોઈ પણ હોય, સમાજમાંથી કે કોઈ પણ વ્યક્તિ હોય, અમે સૌ તેમના નેતૃત્વમાં સત્તા પરિવર્તનની લડાઈ લડીશું અને જીતીશું.તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતના મામલે પણ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી છે. જેના પગલે હવે ત્વરીત નવા પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષના નેતાની વરણી થશે. નવા ચહેરાઓને જવાબદારી આપીને તેમની સાથે જુના જોગીઓને પણ સાથે રાખીને ચાલવા માટે પ્રયાસ થાય તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી સંભાવના
આવતીકાલે મહેસાણામાં સેવા દળનો એ કાર્યક્રમ છે, તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમાં હાજરી આપવા તેવી સંભાવના છે. અલબત્ત આ કાર્યકર્મની કોઈ સત્તાવાર જાહેરત થઈ નતી. તેમ છતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે રાત્રે અથવા સવારે ગુજરાત આવે તેવી સંભાવના છે

Most Popular

To Top