સુરત : (Surat) કતારગામ દરવાજા પાસે આવેલા કાજીપુરા મેદાનમાં રહેતા અને મનપામાં (SMC) સફાઇ કામદાર (Sweeper) તરીકે કામ કરતા યુવકનું ગળુ દબાવીને હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં ભાવેશભાઇની પત્ની ઘરની બહાર આવી હતી અને જોરજોરથી બુમો પાડીને બધાને બોલાવ્યા હતા
- ભાવેશભાઇને તાત્કાલીક મસ્કતી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ ભાવેશભાઇને મૃત જાહેર કર્યા હતા
- મૃતક ભાવેશભાઇની પત્નીનો અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ ભાવેશભાઇને થઇ ગઇ હતી અને બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા.
- ડોક્ટરોએ ભાવેશભાઇનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું કહેતા લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
પ્રાપ્ત વિગતો મુજબ કાજીપુરા ચુમ્માલીસની ચાલમાં રહેતા ભાવેશભાઇ લાલજીભાઇ સોલંકી સુરત મનપામાં નોકરી કરે છે, તેમની પત્ની પણ સુરત મનપામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં ભાવેશભાઇની પત્ની ઘરની બહાર આવી હતી અને જોરજોરથી બુમો પાડીને બધાને બોલાવ્યા હતા. તેઓની નીચે જ રહેતા ભાવેશભાઇના મોટાભાઇ મહેશભાઇ પણ ઘરે દોડી આવ્યા હતા. ભાવેશભાઇને તાત્કાલીક મસ્કતી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ ભાવેશભાઇને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ ભાવેશભાઇને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ ભાવેશભાઇનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું કહેતા લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક ભાવેશની પત્નીનો અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હતો, તે મામલે બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મૃતક ભાવેશભાઇની પત્નીનો અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ ભાવેશભાઇને થઇ ગઇ હતી અને બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા. બપોરના સમયે કોઇ હાજર ન હોવાથી ભાવેશભાઇ ઘરે જમવા માટે આવ્યા ત્યારે તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે, પરંતુ આ હત્યા કોઇ ઘરના વ્યક્તિએ જ કરી હોવાની આશંકાએ તપાસ કરવામાં આવી છે.