સુરત: સુરત શહેર-જિલ્લા અને તાપી પોલીસ ચોપડે જે ગેંગ સામે હત્યા, લુંટ અને આર્મ્સ એક્ટના 90થી વધુ ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે, તે યુપીના જોનપુરથી ગેંગને ઓપરેટ કરતા કુખ્યાત લાલુ જાલીમની ગેંગના વધુ બે સાગરિતોની ક્રાઇમ બ્રાંચે ગુજસીટોકના ગુના હેઠળ ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી, પકડાયેલા બંને આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેર-જિલ્લા અને તાપી પોલીસના ચોપડે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ, અપહરણ જેવા 90થી વધુ ગુના જે ગેંગ સામે નોંધાયેલા છે, તે વતન યુ.પી જોનપુરથી ગેંગ ઓપરેટ કરતા કુખ્યાત એવા લાલુ જાલીમની ગેંગના 11 સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક (ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગોનાઇઝ ક્રાઇમ) હેઠળ ગુનો નોંધી તેના ત્રણ સાગરિતો શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ અવચીતે અને જગદીશ ઉર્ફે ભાઇ ચોટલી કરશન કંટારીયાની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ ગુજસીટોક કેસમાં ગુરૂવારે આ ગેંગના વધુ બે સાગરિત 25 વર્ષિય શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, 27 વર્ષિય રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ શિંદેની ગુરૂવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ ટોળકીએ થોડા દિવસો પહેલા જ કતારગામ વિસ્તારના લિંબાયીચા ફળિયામાં મકાન પડાવી લેવા એકબીજાની મદદગારીથી મોપેડ ઉપર યુવકનું અપહરણ કરીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ફેક્ચર કરી નાખ્યો હતો. જે અંગે ગુનો પણ નોંધાયો છે. દરમિયાન પોલીસે ગેંગના શૈલેન્દ્ર તેમજ રવિ શિંદેને પાસા હેઠળ લાજપોર જેલમાં મોકલી અપાયા હતા. બંનેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંનેના 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકાર તરફે ગુજસીટોકના સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી અને રિમાન્ડ મંજૂર કરવા કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બંનેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.
પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ
- ગેંગનો મુખ્ય સૂત્રધાર લાલુજાલીમ તેમજ અન્ય આરોપીઓ પકડવાના બાકી છે
- આરોપીઓ ઉત્તરપ્રદેશથી ગેંગ ચલાવતા હતા, તેઓની પાસેથી મોબાઇલ ફોન મેળવીને કોની-કોની સાથે સંપર્કમાં હતા તે તપાસ કરવાની છે
- આરોપીઓએ ગુનાઓ કરવા માટે રિવોલ્વર, દેશી તમંચા, તલવારો, ચપ્પુ સહિતાના પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો છે તે કબજે લેવાના છે