SURAT

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મર્ડર, માથાભારે દિલીપ બારૈયાને 5 અજાણ્યાઓએ લાકડાના ફટકા મારી પતાવી દીધો

સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે પાર્કિંગની (Parking) બબાલમાં માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની નિર્મમ હત્યા (Murder) થઈ છે. લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દિલીપને પતાવી દેવાયો છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. માથાભારે દિલીપને અનેક લોકો સાથે દુશ્મની હોય કોઈએ અંગત અદાવતના પગલે કાવતરું ઘડી પતાવી દીધો હોવાની પોલીસને આશંકા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપનો કાપોદ્રા વિસ્તારમાં ભારે ધાક હતો. બુધવારે રાત્રે 10.30ના સમયગાળામાં કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે દિલીપ બારૈયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે પાંચેક અજાણ્યા શખ્સોએ તેની પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. એક સાથે પાંચ લોકોએ હુમલો કરી ઢોર માર મારતા તે નીચે ફસડાઈ પડ્યો હતો અને તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બુધવારે મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં જવાહરનગર ખાતે SMC પાર્કિંગમાં દિલીપ બારૈયાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કયા કારણથી થઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ પ્રાથમિક મળતી માહિતી મુજબ દિલીપ બારૈયાનો સામે સ્કોર્પિયો કાર લઈને આવેલા વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. કારનું હેન્ડલ તુટતા પાર્કિંગમાં બબાલ થઈ હતી. વચ્ચે પડેલા દિલીપને ભરવાડાઓએ પતાવી દીધો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આ ઘટના બાદ પોલીસનો કાફલો દોડતો થયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિલીપની હત્યા સિવાય બીજા પણ ઇજાગ્રસ્ત થયા હોય તેવું જાણવા મળ્યું હતું. જોકે મોડી રાત્રે વધારે માહિતી મળી શકી નહોતી. દિલીપ બારૈયાની સામે કાપોદ્રા, સરથાણા, પુણા પોલીસ સ્ટેશનમાં 15 થી વધારે શરીર સંબંધી ગુનાઓ દાખલ છે. દિલીપ દેવીપૂજક માથાભારે પ્રકૃતિનો હતો, અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જોકે હત્યાનું કારણ કાપોદ્રા પોલીસ તપાસમાં જ બહાર આવશે. માથાભારેની છાપ ધરાવતા દિલીપની હત્યા બાદ પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top