SURAT

મુંબઇના વેપારીએ સુરતમાં રહેતા વેપારીને ચુનો ચોપડ્યો

સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા વેપારીએ સુરતમાં (Surat) રહેતા વેપારીની ચાર કંપનીની ઓનલાઇન માહિતી મેળવીને તેઓને સારી સારી વાતો કરી સાત દિવસમાં પેમેન્ટ (Payment) આપી દેવાનું કહીને રૂા. 53 લાખની ઠગાઇ કરી હતી. મુંબઇના વેપારીએ રૂા. 72 લાખની કિંમતનો માલ ખરીદીને તેમાંથી 18 લાખ આપીને બાકીના 53 લાખ આપ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ ઉધના મગદલ્લા રોડ ઉપર ઉમાભવન પાસે ગાંધીકુટીર સોસાયટીમાં રહેતા જીગ્નેશ ક્રિષ્નાકાંત પંડિત ઉધના મગદલ્લા રોડ ઉપર અલથાણ ટેનામેન્ટની સામે ભુમિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાર અલગ અલગ કંપનીના નામે કાપડનો વેપાર કરે છે. દરમિયાન મુંબઇના બોરીવલ્લી પાસે એસવી રોડ ઉપર મહાત્રે ચાલમાં રહેતા અને ખુશી ઇમ્પેક્ષના નામે વેપાર કરતા વેપારી ભરત હીરાલાલ ઢીલાએ જૂન-2021માં જીગ્નેશભાઇની ચારેય કંપનીની વિગતો લઇને તેઓની મુલાકાત કરી હતી.

ભરત ઢીલાએ પોતે મુંબઇમાં વેપાર કરતો હોવાનું કહીને જે વેપાર થાય તેનું પેમેન્ટ સાત દિવસમાં ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી. આ બાબતે જીગ્નેશભાઇએ તેના પુત્ર રૂદ્રને વાત કરીને ભરત ઢીલાની સાથે વેપાર શરૂ કર્યો હતો. ભરત ઢીલાએ જૂલાઇ-2021માં રૂા. 72 લાખની કિંમતનો માલ ખરીદ્યો હતો અને તેમાંથી 18 લાખ ચૂકવી આપ્યા હતા, બાકીના રૂપિયા તે ચૂકવતો ન હતો. રૂદ્ર રૂપિયાની ઉઘરાણી માટે છેક મુંબઇ જઇ આવ્યો છતાં પણ ભરત ઢીલાએ પેમેન્ટ આપ્યું ન હતું. આખરે રૂદ્રએ વ્હોટ્સએપ ઉપર ફોન કરતા ભરત ઢીલાએ મેસેજમાં જવાબ આપ્યો હતો કે, ‘દુકાન ચાલુ છે શેઠ, પેમેન્ટ પણ હું આપીશ તમને શેઠ, હું તમારી જોડે આવતીકાલે વાત કરુ’. પરંતુ તેમ છતાં પેમેન્ટ નહીં મળતા આખરે પોલીસમાં ફરિયાદ થઇ હતી. બનાવ અંગે પોલીસે ભરત ઢીલાની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પરવટ પાટિયાના સોપારીના વેપારીને આસામના વેપારીએ 55.11 લાખની છેતરપિંડી
સુરત : પરવટ પાટિયા ખાતે સોપારીનો હોલસેલનો વેપાર કરતા વેપારીને આસામના વેપારીએ સોપારી અને કાળા મરીનો માલ આપવાનું કહી એડવાન્સમાં 73.62 લાખ રૂપિયા મેળવી લીધા હતા. અને બાદમાં 17.50 લાખનો માલ મોકલી બાકી રૂપિયા કે માલ નહીં આપી કુલ 55.11 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ હતી. પૂણા ગામમાં અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય ગીરીશભાઈ જીવનભાઈ ડોબરીયા પરવટ પાટિયા ખાતે રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં સ્ટાર લાઈન એક્ષીમ નામથી પેઢીથી સોપારીનો હોલસેલનો વેપાર કરે છે. તે અલગ અલગ વેપારીઓ પાસેથી સોપારીનો જથ્થો ખરીદી અન્ય વેપારીઓને હોલસેલમાં વેચતો હતો. ગીરીશભાઈનો એકાદ વર્ષ પહેલા રાજકોટના નીખીલભાઈ પટેલ સાથે ફેસબુક મારફતે પરીચય થયો હતો.

નીખીલભાઈ રાજકોટમાં સોપારીનો વેપાર કરે છે. તેની સાથે વારંવાર ફોન પર વાત થતી હતી. નીખીલભાઈએ તેમના ઓળખીતા મુસ્તુફા કમલ મઝુમદેર ઉર્ફે અકરમ (રહે.મઝુમડેર લાઈન કનકપુર, આસામ) જે આસામમાં સોપારીનો જથ્થાબંધ વેપાર કરે છે. તેમને ગુજરાતમાં ઘણા વેપારીઓને સોપારીનો માલ આપ્યો હોવાનું કહ્યું હતું. બાદમાં દશેક દિવસ પછી મુસ્તુફાનો ફોન આવ્યો હતો કે તે ગુજરાતમાં છે. અમદાવાદથી મુંબઈ જવાનો છું. જેથી ગીરીશભાઈએ કડોદરા ચાર રસ્તા પાસે મુલાકાત લીધી હતી. મુસ્તુફાએ પોતે સોપારી અને કાળા મરીનો વેપાર કરે છે. પેમેન્ટ એડવાન્સ આપ્યા પછી માલ ટ્રાન્સપોર્ટમાં મોકલશું તેવું કહ્યું હતું. જેથી ગીરીશભાઈએ 20 હજાર કીગ્રા સોપારી તથા 8 હજાર કીગ્રા કાળા મરીનો ઓર્ડર આપ્યો હતો. સોપારીના 67 લાખ રૂપિયા અને કાળા મરીના 36.80 લાખ રૂપિયા પેમેન્ટ થતું હતું. ગીરીશભાઈએ મુસ્તુફાને ત્રણ બેંક ખાતામાં 56.12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને 17.50 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. કુલ 73.62 લાખ રૂપિયા મુસ્તુફાને ચુકવ્યા હતા. બાદમાં મુસ્તુફાએ ટ્રાન્સપોર્ટમાં 17.50 લાખની સોપારીનો માલ મોકલી આપ્યો હતો. અને 2.50 લાખ ગીરીશભાઈની પત્નીના બેંક ખાતામાં મોકલી આપ્યા હતા. બાકીના 53.62 લાખ રૂપિયાનો સોપારી અને કાળા મરીનો માલ મોકલ્યો નહોતો. ત્યારબાદ વાયદાઓ કરી માલ મોકલ્યો નહતો. અને 30 મે 2022 ના રોજ તેનો માલ મેઘાલય ખાતે પકડાઈ ગયો હોવાનું કહ્યું હતું. જેથી કંટાળી ગીરીશભાઈએ ક્રાઈમ બ્રાંચમાં 55.11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top