બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર થયેલી ફાયરિંગની (Firing) ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન હરિયાણામાંથી અન્ય એક શકમંદની અટકાયત કરવામાં આવી છે જે કથિત રીતે ધરપકડ કરાયેલા એક આરોપી સાથે સંબંધ ધરાવે છે અને તેની સાથે સતત સંપર્કમાં હતો.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. એટલું જ નહીં સલમાન ખાનના ઘરની બહાર જે બે શૂટર્સે ગોળીબાર કર્યો આ આરોપી પહેલા અને પછી તેમના સંપર્કમાં રહ્યો હતો.
પીટીઆઈના તાજેતરના અહેવાલ મુજબ 14 એપ્રિલે મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલી ફાયરિંગની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે આ કેસમાં અન્ય એક શકમંદની હરિયાણાથી અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હરિયાણાથી અટકાયત કરાયેલ શંકાસ્પદ આરોપીનો સંબંધ બે આરોપીઓ સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેમાંથી કોઈ એક સાથે છે. ઘટના પહેલા અને પછી તેઓ સતત સંપર્કમાં હતા. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હોવાની શંકા છે અને ધરપકડ કરાયેલા આરોપીઓ પણ શંકાસ્પદ સાથે તેમની ગતિવિધિઓ સતત શેર કરતા હતા.
જણાવી દઈએ કે અગાઉ ધરપકડ કરાયેલા બંને આરોપીઓ ઘટના બાદ તેઓ મુંબઈથી ભુજ ભાગી ગયા હતા અને બંનેએ સુરત નજીક મોબાઈલનું સીમકાર્ડ બદલીને વાત કરી હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસથી બચવા માટે પાલ અને ગુપ્તા ઘણીવાર તેમના ફોન બંધ કરી દેતા હતા પરંતુ તેઓ હંમેશા એક જ નંબર પર ફોન કરતા હતા. અગાઉ કચ્છના ડીએસપી એઆર ઝકાંતે એએનઆઈને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને લોકો લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતા.