Columns

મુકેશ અંબાણીના ગ્રહયોગો જ એવા બળવાન છે કે તેઓ અતિ ધનવાન બને, જાણો કયા ગ્રહથી ધનવાન બની શકાય

ધનવાન થવાની ઇચ્છા સૌની હોય છે અને સૌથી વધુ ધનવાન હોવું એ તો સંજોગ, શકિત અને દૃષ્ટિનું પરિણામ હોય છે. મુકેશ અંબાણી દેશના એક એવા ધનવાન વ્યકિત છે જેમની કહાણી લોકોના મનમાં સતત રહે છે. તેઓ ધીરુભાઇ અંબાણીના પુત્ર છે એટલે જ ધનવાન છે એવું નહીં કહેવાય. ધીરુભાઇએ જે ઉદ્યોગો સ્થાપ્યા તેમાં વિસ્તાર કર્યો અને નવા પણ સ્થાપ્યા. બાકી, ધીરુભાઇના પુત્રો તો અનિલ અંબાણી પણ છે. ધનવાન પિતાના સંતાન હોવા માત્રથી ધનવાન થવાતું નથી. ધનવાન રહેવામાં પણ ઘણા પ્રકારની શકિત અને સંજોગ સાથે હોવા જોઇએ.

મુકેશ અંબાણીનો જન્મ ભારતમાં નહીં એડનમાં થયો છે કારણકે ત્યારે ધીરુભાઇ અને કોકિલાબેન યમનમાં રહેતાં હતાં અને ધીરુભાઇ પેટ્રોલપંપ પર વાહનોમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા હતા અને મનોમન વિચારતા કે મારા પેટ્રોલ પંપ કયારે થશે? કયારે મારાં પેટ્રોલિયમ ઉત્પાદનનાં પ્લાન્ટ થશે? મુકેશ અંબાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ માં સાંજે છ વાગ્યે થયો છે. લગ્ન તુલા, રાહુ-તુલા, શનિ વક્રી-વૃશ્ચિક, ચન્દ્ર – ધનુ, સૂર્ય, બુધ, શુક્ર, કેતુ – મેષ, મંગળ – વૃષભ અને બૃહસ્પતિ વક્રી – સિંહની સ્થિતિમાં છે. ૨૦૦૨ માં ધીરુભાઇએ વિદાય લીધી અને વીત્યાં ૨૦ વર્ષમાં મુકેશ અંબાણીએ પિતાના સ્થાપિત ઉદ્યોગગૃહોને નવું નેતૃત્વ આપ્યું છે.

દરેક કુંડળીમાં એવા ગ્રહ હોય છે, જે જાતકના ઉત્થાન યા પતનનું કારણ બને છે. ધીરુભાઇના ન હોવા પછી મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે માનસિક વિરોધ બહાર આવવા લાગ્યા અને ૨૦૦૫ માં જુદા પડી ગયા. મુકેશભાઇમાં ચાર ગ્રહના યોગે એવી દૃષ્ટિ આપી કે ભાજપ અને કોંગ્રેસ અને પછી વળી ભાજપ સાથે સંબંધ સ્થાપ્યા અને જાળવ્યા. કુંડળીના દ્વિતીય ભાવમાં શનિ અને અષ્ટમ ભાવમાં મંગળ વિરાજે છે. દ્વિતીય ભાવ કુટુંબ દર્શાવે છે. શનિ તો તુલા લગ્નને માટે કારક હોય છે એટલે પોતાનું કુટુંબ અને પોતાની પ્રતિષ્ઠા જાળવવામાં સફળ રહે. ચન્દ્રમાં તૃતીય ભાવમાં અને તેની પર એકાદશ ભાવથી બૃહસ્પતિની દૃષ્ટિ છે, વળી અષ્ટમ ભાવથી મંગળ પણ તેને જુએ છે.

ચન્દ્રમા અત્યંત બળવાન છે અને ચન્દ્રમા જયારે કુંડળીમાં બળવાન હોય તો જાતક પોતાની વિચક્ષણ દૃષ્ટિ અને વ્યવહારને કારણે ખૂબ પ્રસિધ્ધ થાય છે. દેશમાં અનેક ઉદ્યોગપતિઓ છે પણ તેમનું જાહેર જીવન મર્યાદિત છે અને તેમના મિત્રો પણ ખબર નથી પડતા. મુકેશ અંબાણીના અનેક મિત્રો છે. બધા સાથે સંબંધો નિભાવવામાં ય તેઓ પાછા પડતા નથી. આ ગુણ તેમના પિતામાં પણ હતા.

મુકેશ અંબાણી, શિક્ષણ, આરોગ્ય અને ક્રિકેટના ક્ષેત્રે પણ સંસ્થા સ્થાપી સક્રિય રહે છે અને તેમનાં પત્ની નિતા અંબાણી દરેક કાર્યોમાં સાથે રહે છે. માતા કોકીલાબેનને પણ તેઓ હંમેશ સાથે રાખે છે. મુકેશ અંબાણી પાસે કયા ગ્રહને કારણે અઢળક સંપત્તિ અને વૈશ્વિક ઓળખ છે? આનો ઉત્તર છે કે રાહુ નામનો ગ્રહ લગ્નમાં બેઠો છે, જેમાં સપ્તમ ભાવમાં બેઠેલા ચાર ગ્રહનું ય પ્રદાન છે. નવમાંશમાં રાહુ, શુક્ર અને ચન્દ્રમાની સાથે સ્થિત થવાથી વધારે બળવાન બને છે. રાહુની મહાદશા તેમના જીવનમાં ૨૦૦૨ થી ૨૦૨૦ સુધી ચાલી અને એ દરમ્યાન તેઓ વિશ્વના સહુથી ધનવાનોમાં એક બની ગયા. મુકેશ અંબાણીની કુંડળીનો એક કરામતી ગ્રહ રાહુ છે.

મુકેશ અંબાણી સ્વસ્થ અને સ્પષ્ટ નિર્ણયો લે છે અને પોતાના ગુરુ કોણ હોવા જોઇએ એ વિશે પણ દૃષ્ટિ અને વિવેક અને સન્માનભાવ ધરાવે છે. આ બધાં જ તત્ત્વો જરૂરી છે. સહુ જાણે છે કે કુંડળીમાં બુધની ઉત્તમ સ્થિતિ બિઝનેસ માટે શુભ હોય છે ને તેનો ગુરુ સાથે ઉત્તમ યોગ રચાય તો સફળ બિઝનેસમેન બની શકાય છે. હકીકતમાં ધીરુભાઇ અંબાણીની કુંડળીનું વિશ્લેષણ કરશો તો પણ તેના ધનવાન હોવાના યોગો સમજાશે. મુકેશ અંબાણી એક વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગપતિ છે ને જે પોતાના વ્યકિતત્વની દિશાઓ ઓળખીને આગળ વધતા રહે છે. ધનવાન થવામાં ઘણા યોગ ભળેલા હોય છે.

Most Popular

To Top