SURAT

કોર્ટના એક ચૂકાદાએ ડિવોર્સી પેરેન્ટ્સની 13 વર્ષની કિશોરીનું જીવન બદલી નાંખ્યું, હવે ફ્રાન્સ જઈ ભણશે

સુરત : (Surat) વડોદરામાં (Vadodara) મામાની સાથે રહેતી સગીરાનો કબજો લેવા માટે ફ્રાન્સમાં (France) રહેતા સાવકા પિતાએ (Step Father) કરેલી વાલી અરજી મંજૂર કરવામાં આવી હતી. આ સગીરાની માતાએ તેના પતિને છૂટાછેડા (Divorce) આપીને ફ્રાન્સમાં રહેતા યુવાનની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ લોકડાઉન (Lockdown) દરમિયાન સગીરાના કબજાને લઇને સુરતની ફેમિલી કોર્ટમાં (Family court) ફરિયાદ થઇ હતી.

  • સુરતના સીમાબેનના લગ્ન હિતેશભાઈ થયા હતા, લગ્નજીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો
  • દંપતિ વચ્ચે તકરાર થતાં ડિવોર્સ થયા બાદ દીકરી વડોદરાના મામાના ઘરે રહેતી હતી
  • 13 વર્ષની પુત્રીના વાલી કબ્જા માટે માતાએ કોર્ટમાં અરજી કરી હતી, કોર્ટે ફ્રાન્સ જવા માટે સગીરાના હકમાં ચૂકાદો આપ્યો

પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં રહેતી સીમાબેનના લગ્ન હિતેશભાઇ (નામ બદલ્યું છે)ની સાથે થયા હતા. લગ્નજીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રી નામે કાજલ (નામ બદલ્યું છે)નો જન્મ થયો હતો. બીજી તરફ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા તેઓએ સંમતિથી છૂટાછેડા લઇ લીધા હતા. હાલમાં કાજલની ઉંમર 13 વર્ષ જેટલી છે. કાજલ વડોદરામાં તેના મામાના ઘરે રહે છે. બીજી તરફ સીમાબેનએ ફ્રાન્સમાં રહેતા પિયુષભાઇ (નામ બદલ્યું છે)ની સાથે લગ્ન કર્યા હતા. ફ્રાન્સમાં રહેતા પિયુષભાઇએ પણ પત્ની પાસેથી છૂટાછેડા લઇ લીધા હતા અને તેઓને પણ સંતાનમાં એક પુત્રી હતી.

આ દરમિયાન પિયુષભાઇએ સીમાબેનની પુત્રી કાજલના ભરણપોષણ અને તેના ઉછેર માટેની જવાબદારી લઇને વકીલ વિરલ મહેતા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં વાલી અરજી કરીને કાજલનો કબજો માંગ્યો હતો. લોકડાઉન દરમિયાન કોર્ટ બંધ થઇ જતાં કાર્યવાહી અટવાઇ પડી હતી. કોરોના ધીમો પડતા જ ફેમિલી કોર્ટમાં ઓનલાઇન હિયરિંગ શરૂ થયું હતું. પિયુષભાઇ ઓનલાઇન હિયરિંગમાં હાજર રહ્યા હતા અને બાળકનો કબજો માંગ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ તેમજ કાજલ વિદેશમાં સારો અભ્યાસ કરી શકે અને તે પોતાની રીતે આગળ વધી શકે તે માટે તેનો કબજો તેના સાવકા પિતા પિયુષભાઇને સોંપવા માટેનો હુકમ કર્યો હતો.

સગીરા મનપા તંત્રમાં પણ અરજી કરીને પોતાના નામની પાછળ સાવકા પિતાનું નામ દાખલ કરી શકશે
જ્યારે પણ કોઇ સગીર કે સગીરાનો કબજો અન્ય વ્યક્તિને સોંપવામાં આવે ત્યારે તેના બાયોલોજીકલ પિતાના નામને લઇને ખુબ જ સમસ્યા થાય છે. બાળકીના ઉચ્ચતર અભ્યાસ તેમજ અન્ય કોઇ જગ્યાએ પિતાનું નામ લખવું તેને લઇને પણ સમસ્યા થાય છે. આ બાબતે કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું હતું કે, સગીરા સુરત મનપા તંત્રમાં અરજી કરીને પોતાના નામની પાછળ તેના સાવકા પિતા એટલે કે પિયુષભાઇનું નામ પણ લખાવી શકશે. આ અંગે મનપા કચેરીને પણ જાણ કરવામાં આવી હોવાનું એડવોકેટ વિરલ મહેતાએ કહ્યું હતું.

Most Popular

To Top