શહેરા: શહેરા તાલુકાના ગાંગડીયા ગામે પાનમ નદીના કોતરમાં કપડાં ધોવા ગયેલ માતા સહિત ૨ વર્ષના પુત્રનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતુ.સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાંથી માતા અને પુત્રની લાશને બહાર કાઢવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામના પગી ફળિયામાં રહેતી ૨૫ વર્ષીય સંગીતાબેન કોયાભાઈ પગી તેના ૨ વર્ષના પુત્ર ગણેશ પગીને પોતાની સાથે લઈને સોમવારના રોજ આશરે ચારેક વાગ્યાના સુમારે ગામમાંથી પસાર થતી પાનમ નદીના કોતરમાં કપડાં ધોવા માટે ગયા હતા.
બે વર્ષનો બાળક ગણેશ કોતરના ઉંડા પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે માતા બચાવવા જતાં તે પણ પાણી માં ડૂબવા લાગી હતી જોતજોતામાં માતા-પુત્ર બન્ને પાણીમાં ગરકાવ થયા હતા. બનેલા આ બનાવની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં ગ્રામજનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં ગરકાવ થયેલ માતા-પુત્રની શોધખોળ હાથધરાતા પાનમ નદીના કોતરના પાણીમાંથી માતા-પુત્રની લાશ મળી આવતા બંનેની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.ઘટનાની જાણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શહેરા પોલીસ સહિતના તંત્રને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી માતા-પુત્રના મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.