SURAT

મોટા વરાછામાં દુખિયાના દરબાર પાસે કારે ટક્કર મારતા રીક્ષા ચાલકનું મોત

સુરત : મોટા વરાછામાં (Mota Varachha) દુખિયાના દરબાર પાસે એક કાર ડ્રાઇવરે (Car Driver) રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત (Death) નીપજ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની બાબુભાઈ રાજપુત (40 વર્ષ) હાલ અમરોલી વિસ્તારમાં આવેલી રામચોકડી નજીક શ્રીરામનગર સોસાયટીમાં રહેતા હતા. તેઓ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમના પત્ની, બે પુત્રી અને પુત્ર વતનમાં રહે છે. બાબુભાઈ ગુરુવારે રાત્રે રીક્ષા લઈને વેલંજાથી મોટા વરાછા આવી રહ્યા હતા. દરમિયાન દુખિયાના દરબાર નામના મંદિર પાસે હુંડાઈ કંપનીની કારના ડ્રાઇવરે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં બાબુભાઈને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પરિવારને ઘટનાની જાણ કરી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મોપેડ સાથેના અકસ્માતમાં પડી ગયેલા બાઈક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું
નવસારી : ખારેલ-ગણદેવા રોડ પર મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક નીચે પડી ગયો હતો. દરમિયાન પાછળથી આવતા ટ્રકનું ટાયર બાઈક ચાલક પરથી ફરી વળતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના ટાંકલ ગામે કુંભારવાડમાં ગૌતમ વિષ્ણુભાઈ ઢીમ્મર (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 12મીએ ગૌતમ તેની બાઈક (નં. જીજે-21-બીએલ-1974) લઈને નવસારી નોકરીએ આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન ખારેલથી ગણદેવા રોડ પર નાના ફળિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો.

અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો
ત્યારે સામેથી આવતી મોપેડ (નં. જીજે-21-બીએચ-9241) સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગૌતમ અને મોપેડ ચાલક રસ્તા પર પટકાયા હતા. તે દરમિયાન પાછળથી આવતી ટ્રક (નં. જીજે-15-એક્સ-8388) નું ટાયર ગૌતમ પરથી ફરી વળતા ગૌતમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલકને માથાના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ અજયે ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top