વડોદરા: નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી ખાતે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ મામલે તેમજ ચકચારી ભર્યા બોટાદ લઠ્ઠાકાંડ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જોકે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 20 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ જારી છે. જેનો વિરોધ કરવા અને જ્યાં સુધી સોનિયા ગાંધીની પૂછપરછ ચાલે ત્યાં સુધી ધરણા યોજવાનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે કાર્યક્રમમાં અનેક નેતાઓ તથા અગ્રણીઓ સહિત અસંખ્ય કાર્યકરો અહિંસક ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં બેનરો અને પોસ્ટરો સાથે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપ સરકાર સામે ઉગ્ર સૂત્રોચાર શરૂ કર્યા હતા.દરમિયાન સ્થળ પર હાજર પોલીસે ચારે બાજુથી કોંગી કાર્યકરો અગ્રણીઓને ઘેરી લીધા હતા. કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવત, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ રબારી, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, શીતલ રાઠોડ, પવન ગુપ્તા, પાર્વતી રાજપુત, સુનિલ સૂર્વેે, અનુજ નગરશેઠ સહિત 20 થી વધુ કોંગ્રેસી અગ્રણીઓ તથા કાર્યકરોને જુદી જુદી બસોમાં બેસાડીને અટકાયત કરવામાં આવી હતી. આ સમયે શહેર કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરાયો હતો કે સત્ય અજય છે અને સત્ય અડગ છે અમે કોઈ પણ સંજોગોમાં સરકાર સામે ઝુકવાના નથી સરકારી તંત્ર ઇડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસને ડરાવવા માગતું હોવાના આક્ષેપ પણ કર્યા હતા.